ખાસ-ખબર સંવાદદાતા
સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળા તાલુકાના જાંબુરના હીરાબાઈ લોબીને ગુજરાતનું નામ ઉજાગર કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા છે. આ તકે વેરાવળ પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયાએ હીરાબાઈના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરતાં પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતાં અને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલ પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદન સંદેશ આપ્યો કે, આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર પ્રદાન બદલ આપને આઝાદીના અમૃતકાળમાં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા તે જાણીને અત્યંત આનંદ સહ ગર્વની લાગણી અનુભવું છું. ગુજરાતના વિવિધ ક્ષેત્રને ઉજાગર કરનારા જૂજ વીરલાઓમાં આપનું અદ્વિતીય પ્રદાન રહ્યું છે. સમાજના ઉત્થાન માટે જીવન ખર્ચી નાખતાં આપના અનન્ય યોગદાન અંગે જાણી ખૂબ આનંદ થયો.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રીએ હીરાબાઈના કુટુંબીજનો સાથે હળવી પળો માણી હતી અને અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળતું રહે તેવી તેમની કાર્યશૈલીને બીરદાવી ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
આ તકે હીરાબાઈએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારી મહેનતની કદર કરી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરી છે.
પદ્મશ્રી પુરસ્કૃત હીરાબાઈ લોબીને રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત
