વેરા વળતર યોજનાને પ્રતિસાદ
70% કરતા વધુએ ઑનલાઈન માધ્યમથી વેરો ભર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ મહાપાલિકા દ્વારા 9 એપ્રિલથી વેરા વળતર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હજારો ઈમાનદાર કરદાતાઓ મનપાની આ યોજનાની આતૂરતાથી રાહ જોતા હોય છે. જેને લઈને પ્રથમ 13 દિવસમાં જ વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ મળ્યો છે. કુલ 95,000થી વધુ કરદાતાઓએ રૂ. 53 કરોડ મનપાની તિજોરીમાં ઠાલવી દીધા છે. આ પૈકી 70 % કરતા વધુ નાગરિકોએ ઓનલાઈન એડવાન્સ વેરો ભર્યો હતો. જ્યારે બાકીના લોકોએ મનપાનાં જુદા જુદા સિવિક સેન્ટરો પર જઈ વેરા વળતર યોજનાનો લાભ લીધો હતો.
વેરા વિભાગનાં મેનેજર વત્સલ પટેલનાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26નો મિલ્કતવેરો તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા. 9 એપ્રિલથી વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર 13 દિવસમાં કુલ 95,771 કરદાતા દ્રારા રૂ. 53.70 કરોડની માતબર રકમ ભરપાઈ કરવામાં આવી છે. આ પૈકી 71,240 કરદાતાઓ દ્વારા ઓનલાઈન રૂ. 38.37 કરોડ રૂપિયા ભરપાઈ થયા હતા. અને 24,531 કરદાતા દ્વારા ચેક તથા રોકડથી રૂ. 15.33 કરોડ ભરાયા છે. મનપા દ્વારા આ તમામ કરદાતાઓને નિયમ મુજબ વળતર આપવામાં આવ્યું હતું. જેમાં ભરપાઈ કરેલા કુલ વેરામાં રૂ. 59 લાખ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે વર્ષ 2025-26 માટેનો મિલ્કતવેરો તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મિલ્કતવેરો તથા પાણી વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. વેરો ભરવા માટે રૂબરૂ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસમાં આવતા નાગરિકો માટે ખાસ છાંયડા અને પીવાના પાણી તેમજ જરૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવી છે. તો સાથે જ ઓનલાઈન વેરો ભરનારાઓને વધારાનું 1% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. જેને લઈ વધુ પડતા લોકો ઓનલાઈન વેરો ભરવાનો આગ્રહ રાખી રહ્યા છે.
ચાલું વર્ષે આંકડો 200 કરોડ રૂપિયાને પાર થવાની શક્યતા
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઈમાનદાર નાગરિકો માટે વેરા વળતર યોજના શરૂ કરવામાં આવે છે. જેમાં એડવાન્સ વેરો ભરનારા તમામ પુરુષોને 10% અને મહિલાઓને 15% વળતર તા. 30 મેં સુધી આપવામાં આવે છે. તેમજ ઓનલાઈન વેરો ભરવા માટે 1%નું એક્સ્ટ્રા વળતર આપવામાં આવે છે. અનેક નાગરિકો મનપાની યોજના શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આવા નાગરિકો વેરા વળતર યોજના શરૂ થતાની સાથે જ પોતાનો વેરો એડવાન્સ ભરી વળતરનો લાભ લેતા હોય છે. તો કેટલાક નાગરિકો એપ્રિલ અને મે મહિનાની આખર તરીખોમાં વેરો ભરી દેતા હોય છે. ગત વર્ષે પણ આ યોજનામાં મનપાને રૂ. 200 કરોડ જેટલી આવક થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે આંકડો 200 કરોડ રૂપિયાને પાર થવાની પુરી શક્યતા છે.