રાજકોટ નાગરિક સહકારી બૅન્ક લિ.માં માર્ગદર્શક મંડળની બેઠક વિચાર-વિમર્શ સાથે સંપન્ન
આપણે સેવા કરીએ તેનાથી મનની શાંતિ કે સુકૂન મળે તે જરૂરી છે : નલિનભાઇ વસા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં તાજેતરમાં માર્ગદર્શક મંડળની બેઠક યોજાઇ હતી. તેમાં ડેલિગેટ્સ, શાખા વિકાસ સમિતિના સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિચાર-વિમર્શ ર્ક્યો હતો. બેંક દ્વારા જે મહિનામાં પાંચમો શનિવાર આવતો હોય ત્યારે આ બેઠક યોજવામાં આવે છે. આ બેઠકમાં ઉપસ્થિત સહુ બેંકના વિકાસને અનુલક્ષીને અમૂલ્ય સુચનો કરે છે અને તેને અનુરૂપ કાર્ય કરવામાં આવે છે.
બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ અધ્યક્ષીય ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, ‘સામાજિક ઉત્તરદાયિત્વનું કાર્ય આપણે કરીએ છીએ, પરંતુ, તેનાથી નાના માણસના જીવનમાં આવેલ પરિવર્તનની વિસ્તૃત નોંધ હવેથી રાખીશું. મેડીકલ સહાયમાં રાજકોટ ઉપરાંત અમદાવાદની હોસ્પિટલમાં બિલમાં રાહત મળે છે. અગાઉ જણાવ્યું તેમ સમય બહુ કિંમતી છે. બેંકનો ડિજિટલ ગ્રોથ જોઇએ તો ગત મે માસમાં 89 ટકા વ્યવહાર ડીજીટલ થયા છે. નાના-નાના ગામડામાં પણ ડિજીટલ વ્યવહાર થઇ રહ્યા છે. બેંકમાં ઇન્ફોસીસનો નવો સોફટવેર આવશે. નવા સોફટવેરના અમલને કારણે થોડી મુશ્કેલી પડશે, પરંતુ, આ સ્વીકારીને આગળ વધીશું તો વધારે સારું કાર્ય કરી શકીશું.’
- Advertisement -
બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ કુમાર શર્માએ બેંકની પ્રગતિની માહિતી રજુ કરતાં જણાવ્યું હતું કે, ‘આ વર્ષે આપણા માટે ચારે બાજુથી પ્રગતિનું રહ્યું છે. તા. 30 જુન 2024 મુજબ બેંકની ડિપોઝીટ રૂા. 6,210 કરોડ, ધિરાણ રૂા. 3,868 કરોડ, પ્રથમ ક્વાર્ટરના અંતે નફો રૂા. 42.66 કરોડ નોંધાયેલ છે. બેંકનો બીઝનેશ રૂા. 10 હજાર કરોડથી વધુ છે. નેટ એનપીએ ઝીરો રહ્યું છે. સભાસદોની સંખ્યા 3,37,000 છે. રૂા. 25 લાખ સુધીના ધિરાણ 82 ટકા સુધી છે. આર.બી.આઇ.ની ગાઇડલાઇન મુજબ કેપીટલના 0.2 ટકા અર્થાત 50 ટકા ખાતા નાના ધિરાણમાં હોવા જોઇએ જેની સામે આપણે 79 ટકા ખાતા નાના ધિરાણના છે. ડિજિટલ ચેનલનાં વપરાશમાં નોંધપાત્ર વધારો નોંધાયેલો છે. દિનપ્રતિદિન આપણી કલ્પનાથી પણ વધારે વર્ગ તેની સાથે જોડાઇ રહ્યો છે.’
બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેકટર નલિનભાઇ વસાએ મનનીય વાત કરતાં સૂચન ર્ક્યું હતું કે, ‘બેંકની સહાયથી આર્થિક રીતે પછાત કે સમાજમાં જે ઉપેક્ષિત બાંધવો હોય તેના જીવનમાં કેટલું હકારાત્મક પરિવર્તન આવ્યું તેનો કોઇ હિસાબ છે ખરો ? સંસ્થા ડોનેશન આપે તો તેનાથી સંસ્કૃતિની કેટલી રક્ષા થઇ ? ધર્મની કેટલી રક્ષા થઇ ? આવા વિચારો કરવાની આવશ્યકતા છે. પહેલા ટાર્ગેટ નક્કી કરવાનો, તેના પછી તેનું ઓડિટ કરવાનું, તેના પછી તેની તુલના કરવાની અને જરૂર પડે તો કોમ્પ્લાયન્સ કરવાનું. આપણે બધા કાર્યકર્તા છીએ અને સમાજસેવા માટે ભેગા થયા છીએ. આપણે ફક્ત કામ કરીએ તે એટલું પૂરતું નથી, પરંતુ, બીજાના જીવનમાં કેટલા ઉપયોગી બનીએ, તે વધુ મહત્ત્વનું છે. આપણે સેવા કરીએ તેનાથી મનની શાંતિ કે સુકૂન મળે તે જરૂરી છે અને તે માટે ભેગા થયા છીએ.
બેંકના એ.જી.એમ. (પ્રોજેક્ટ સીબીએસ) જયેશભાઇ છાટપારે કોર બેંકિંગ સોફ્ટવેર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘બેંકે 2011માં કોર બેંકિંગનાં સોફટવેરમાં કામ કરવાનું શરૂ ર્ક્યું. તે પહેલા ફોક્સપ્રોમાં કામ કરતાં હતું. સીબીએસ ર્ક્યા પછી આપણે ડેબિટ કાર્ડ, એટીએમનું આપણું પોતાનું નેટવર્ક, દરેક બ્રાંચમાં આપણું પોતાનું એટીએમ મશીન, પોસ ટ્રાન્ઝકેશન, ઇકોમ, કેશ રિસાઇકલર મુક્યા, પાસબુક પ્રિન્ટીંગ મશીન મુકયા, ચેક ડિપોઝીટ માટે ખાતેદાર પોતે જમા કરાવી શકે તેવા મશીન, ઇન્ટરનેટ બેંકિંગ (વ્યુ ઓન્લી મોડ), વ્હોટ્સએપ બેંકિંગ શરૂ ર્ક્યું. 31 માર્ચ 2011માં આપણો બિઝનેસ હતો, રૂા. 2,695 કરોડ અને 31 માર્ચ 2024માં આપણો બિઝનેસ હતો, રૂા. 10,048 કરોડ, અર્થાત્ લગભગ પોણા ચાર ગણો વધારો બિઝનેસમાં નોંધાયેલ છે. આવી જ રીતે 2011માં આપણો નફો હતો, રૂા. 28.32 કરોડ. જે માર્ચ 2024ના અંતે રૂા. 133.67 કરોડ નફો હતો. બિઝનેસની સાથોસાથ આપણો નફો પણ વધ્યો છે. હવે, આપણે કોર બેંકિંગ સોફટવેરમાં ઇન્ફોસીસ સાથે જોડાઇ રહ્યા છીએ. અત્યારે માર્કેટમાં ઉપયોગી નવી ટેકનોલોજીવાળા સોફટવેરમાં શિફટ થવા જઇ રહ્યા છીએ. હવે જમાનો છે ક્લાઉડનો, નવા સોફટવેર દ્વારા મહત્તમ પેરામીટરાઇઝેશન અનંત થઇ શકે છે. એનાલીટીક્સની કેપેબીલીટી છે. જાહેર ક્ષેત્રની 8 બેંકો ઇન્ફોસીસનો સોફટવેર વપરાશ કરે છે. ખાનગી બેંકો અને મોટી સહકારી બેંકો અર્થાત્ લગભગ મહત્તમ બેંકો આ સોફટવેરનો વપરાશ કરે છે.
આ બેઠકમાં જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, કાર્તિકેયભાઇ પારેખ, શૈલેષભાઇ મકવાણા, હરેશભાઇ ઠક્કર, હસમુખભાઇ હિંડોચા (કો-ઓપ્ટ), વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), વિનોદભાઇ લાઠીયા (બોર્ડ ઓફ મેનેજમેન્ટ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલિગેટ્સ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન ભાવેશભાઇ રાજદેવે અને આભારદર્શન દીપકભાઇ મકવાણાએ ર્ક્યું હતું.