બિહારના નાનકડા શહેરની વતની ગરિમા વિશાલે મણિપાલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજિમાંથી એન્જિનિયરિંગ પૂરું કર્યું. આ છોકરીને ભારતની ટોચની મેનેજમેન્ટ સંસ્થા ઈંઈંખમાં અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા હતી. સખત પુરુષાર્થના સથવારે એણે પ્રવેશ પરીક્ષા પાસ કરી અને આઇઆઇએમ લખનઉમાંથી એમબીએ પણ પૂરું કર્યું.
ઈંઈંખમાંથી ખઇઅ કરનારા તેજસ્વી વિદ્યાર્થીને લાખોના પગારવાળી નોકરી સરળતાથી મળી જાય એ સ્વાભાવિક છે. ગરિમાને પણ ઇન્ફોસિસમાં નોકરી મળી ગઈ અને ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે એને પોસ્ટિંગ મળ્યું. ભુવનેશ્વરમાં કામ કરતી વખતે બાજુના વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ગરિમા રોજ જોતી. એક દિવસ ગરિમા આ બાળકોને મળવા માટે પહોંચી ગઈ. ગુજરાતમાંથી જ મજૂરીકામ માટે ઓરિસ્સા આવેલા મજૂરોના બાળકો હતા.
ગરિમાએ બાળકોના માતાપિતાને અભ્યાસનું મહત્ત્વ સમજાવ્યું અને બાળકોને શાળાએ મોકલવાની વાત કરી. ગુજરાતના આ બાળકોને ઉડિયા ભાષા આવડતી નહોતી એટલે સરકારી શાળામાં ઉડિયા માધ્યમમાં ભણવું શક્ય નહોતું. ભાંગ્યું તૂટ્યું હિંદી આવડતું હતું. ગરિમાએ આ બાળકોના અભ્યાસ માટે એક સંકલ્પ કર્યો. ઓફિસે જતા પહેલા અને ઓફિસેથી પરત આવીને એ બાળકોને ભણાવવા લાગી. ભાષાનો પ્રોબ્લેમ હતો પણ ગરિમાની ધગશ અને બાળકો તથા માબાપના સહયોગથી શિક્ષણયજ્ઞ ચાલુ થયો. લાખનો પગાર મેળવતી એક છોકરી પોતાના ખર્ચે સવાર-સાંજ બાળકોને ભણાવવા લાગી. ગરિમા દેશના ભવિષ્યની ગરિમા જળવાઈ રહે એ માટે ભારતના ભાવીને ઘડવાનું કામ કરતી હતી.
ગરિમાની ભૂવનેશ્વરમાંથી બિહારમાં બદલી થઇ અને એના 30 બાળકોના અભ્યાસનું હવે શું થશે એની ચિંતા શરૂ થઇ. આ 30 બાળકોને એણે પ્રાઇવેટ સ્કૂલમાં પોતે ફી ભરી આપશે એવી ભાવના સાથે એડમિશન અપાવ્યું. બિહારમાં આવીને એને પોતાના વતનના ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણ માટે કંઇક નક્કર કામ કરવાનું નક્કી કર્યું.
નોકરી એની સેવાકીય પ્રવૃત્તિમાં વિક્ષેપ ના કરે એટલે લાખોના પગારવાળી નોકરીને લાત મારીને ગરિમાએ મુઝફરપુરમાં એક અનોખી શાળા શરૂ કરી. આજે ગરિમા વિશાલની આ શાળામાં 100 બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. અહીં ભણતર બાળકો માટે બોજ નહીં પણ મોજ છે.
એક તરફ કરોડોના કૌભાંડો અને કટકી કર્યા પછી પણ દેશ કે સમાજ માટે કશું જ ન કરનારા લોકો છે તો બીજી તરફ લાખોની નોકરી મૂકી બાળકોના ઉજ્વળ ભાવિ માટે શિક્ષણસેવાનો યજ્ઞ કરનારા યુવાનો પણ છે.
ભવિષ્યને ઉત્તમ બનાવવું છે? તો તમે જ તેનું સર્જન કરો.
-સ્ટીફન કોવી