મોટા શહેરોમાં ઉછરેલી આજની પેઢીને ખબર પણ નહીં હોય પણ દિવાળી એટલે…
દિવાળીની તૈયારીની શરૂઆત સાફસફાઈથી થતી. આજે પણ થાય છે પરંતુ એ સમય ઘરના કામ સાથે સાથે અને જાતે જ કરવાની મજા લેવાનો હતો. એ સમયના કામ પણ જુદા હતાં.
અભેરાઈ એ ઘરની શોભા-સજાવટ સાથે વાસણ સાચવવાની વ્યવસ્થા હતી. જેની અભેરાઈ ચકચકતી હોય એ ઘરની ગૃહિણીની કુશળ ગૃહિણીમાં ગણતરી થતી. સંયુક્ત કુટુંબ અથવા મહેમાનનો આવરો જાવરો બહોળો હોવાથી લગભગ દરેક ઘરમાં તાંબા પિત્તળના ઢગલાબંધ વાસણો હોવા સ્વાભાવિક હતું. એ બધાને આંબલી વડે હાથેથી ઘસીઘસીને ચમકાવવાના હોય. મહેનતના અંતે ચકચકતું વાસણ જોઇને મોટું ક્રિએશન કર્યું હોય એવી લાગણી થતી. અમે પણ થોડોઘણો આવો લ્હાવો નાનપણમાં લૂંટયો છે. ચોકડીમાં વાસણનાં ખડકલાં હોય અને આનંદ કરતાં ગીતો ગાતાં ગાતાં અમે હરખભેર રાખ અને શ્રીફળના છોડાથી એયને ઘસીઘસીને વાસણો ચમકાવતાં. બહેનપણીઓ સૌ સાથે મળીને એકેકના ઘેર કામ કરતાં એટલે સાથે રહેવાની મજા પણ રહેતી. માળિયા સાફ કરવામાં ઉત્સાહ એ રહેતો કે જૂની જૂની વસ્તુઓ જોવાની બહુ મજા આવતી. વળી અમારે ત્યા તો પુસ્તકોના કબાટ ભર્યા હોય એ બધા પુસ્તકો બહાર આવે એટલે વળી રસસામગ્રી હાથ લાગે! બધાં ઝાપટી ગોઠવતી વખતે કામ ભુલાઈ જાય ને વાંચવે ચડી જવાય અને પછી મમ્મીની ખીજ…!
બાવા જાળા કરવાનાં, બારી બારણાં અને રુમ ધોવાના.. આ બધા કામો સામુહિક ધોરણે થાય. ખાલી કરેલા રૂમમાં જોરજોરથી અવાજ પડઘા પાડવાની રમતો શરુ થાય! દિવાળીમાં કાર્ડ બનાવવાની મજા જ કંઈક અનેરી હતી. દિવસો પહેલા ડ્રોઈંગ પેપર, કલર્સ, જરી, આભલાં વગેરે ડેકોરેશનની સામગ્રીઓ ખરીદવા જતાં હોઈએ ત્યારે ઠાઠમાઠ જ જુદા હોય. દિવસભર કેવા કાર્ડ બનાવવા શું દોરવું એ જ વિચારો મનનો કબ્જો કરી લેતાં. મોટા આર્ટિસ્ટની રુએ કાર્ડ બનાવવા બેસીએ. મારી મોટીબેન મીનાબેન મને અને નાના ભાઈને આવી પ્રવૃત્તિ માટે બહુ જ ઉત્સાહિત કરે. સગા – સંબંધીઓને કોને માટે કેવું કાર્ડ બનાવવું અથવા કોને ક્યુ કાર્ડ મોકલવું એ પસંદગીનું પણ એક સેશન થાય. વળી સગા વ્હાલાને કાર્ડ મોકલ્યા હોય અને વળતી ટપાલે અમો બાલ મંડળીના વખાણ લખે ત્યારે ઉત્સાહ બમણો થઈ પડતો. બીજી બાજુ, ટપાલમાં આવતાં દિવાળી કાર્ડ અંગે એટલી જિજ્ઞાસા રહેતી કે ટપાલી દરવાજો ખખડાવે એ ભેગા દોડીને ટપાલ લેવા!વળી આવેલાં કાર્ડમાંથી અમુક તમુક આઈડિયા લઈને હવે આવતા વર્ષે કેવા કાર્ડ બનાવવા એની વાટાઘાટો ચાલે! રંગોળી, અમારા ફળિયામાં સાત ફૂટ લાંબો અને લગભગ ચારેક ફૂટ પહોળો લંબચોરસ ઓટલો હતો. મારે તો એ આખોય ઓટલો કવર થાય એવી અને એવડી જ રંગોળી કરવી હોય. પછી મમ્મીએ વચલો માર્ગ કાઢીને, આગળના ચાર દિવસ નાની રંગોળી અને દિવાળી, બેસતું વર્ષ આખો ઓટલો ભરાઈ જાય એવી મોટી રંગોળી એવું નક્કી કરાવ્યું હતું! એમાંય મીંડા વાળી ન ગમે એટલે રોજ નિતનવા શેડિંગ અને ડિઝાઇન વિચારવાનાં. સપનમાં કાર્ડ અને રંગોળી જ દેખાયા કરે. રાતના ઘરે ઘરે રંગોળી બનતી હોય. અડોશપડોશ સૌ શેરીમાં જ હોય. એકબીજાની રંગોળી જોતાં જઈએ. મારે તો કલાકો સુધી રંગોળી ચાલતી. વળી કોઈ જેમતેમ રંગ પૂરે એ ન ગમે એટલે કોઈને અડવા ન દઉં. મમ્મી વારે વારે કહે કે હવે સુઈ જા, લાવ હું રંગ ભરાવવા લાગુ વગેરે..પણ માને ઇ બીજા. રાત્રે એક- દોઢ વાગે પપ્પા પ્રેસ પરથી આવે પછી વળી એ કલાકેક પાસે બેસે અને રંગોળી અભિયાન પૂરું થાય!એક -બે બહેનપણીઓ ઘેર રંગોળી કરવાની જવાબદારી પણ આપણાં રામ પર રહેતી. વળી કોઈ ડિઝાઇન પૂછવા તો કોઈ રંગ પૂછવા આવે એટલે દિવાળીમાં આપણો મરતબો રહેતો!
અમે બધી બહેનપણીઓ સાથે રંગો લેવા જતાં. કોડિયાં સ્ટીકર્સ, મીંડાળ્યુ, હવે તો બધું બારેમાસ મળે છે પણ ત્યારે માત્ર દિવાળી પર જ બજારમાં આવતાં ભાતભાતના શણગાર-તોરણો કલરપટ્ટી…બધું જોઈને આનંદ આનંદ થઈ જતો. આવી ખરીદી કરવા જવાનો પારાવાર ઉત્સાહ રહેતો. અનુસંધાન પાના નં. 16
- Advertisement -
બાવા જાળા કરવાનાં, બારી બારણાં અને રૂમ ધોવાના… આ બધા કામો સામુહિક ધોરણે થાય. ખાલી કરેલા રૂમમાં જોરજોરથી અવાજ પડઘા પાડવાની રમતો શરૂ થાય!
અગિયારસ આવતા જ દિવડા મુકવાની શરૂઆત થઈ જાય.. ફળિયામાં અને પાળી ઉપર, બારીના ગોખમાં ક્યાં ક્યાં દિવા મુકવા હૈયું થનગની ઉઠે! સવાર સાંજની નવી ગોઠવણ! વળી હવામાં દિવા ટકે નહિ તો ઈંટો ગોઠવી ગોખલા બનાવવાના!
…એ પહેલાં બહુ નાનપણમાં જે ઘર હતું ત્યાં રંગોળી માટે આંગણમાં ગાર કરતાં. એના માટે ગાયનું છાણ શોધી લાવવાનું અને મસ્ત ઓટલો બનાવીને તેને લીપીએ, સામાન્ય એરિયામાં બાળકો જલ્દી બધું કામ શીખી જતા હોય છે
- Advertisement -
એમ ખબર પડે કે જે-તે શેડનો કલર અમુક તમુક જગ્યાએ મળે છે એટલે વળી ત્યાં સાઇકલ મારી મુકતા! આકર્ષક રંગોનાં ભરેલા બાઉલ, રંગો તો જાણે આંખમાં અંજાઈ જતા અને કેલીડોસ્કોપમાં નિતનવી ગોઠવણ વાળી ડિઝાઇન રચાય એમ રંગો જોઈને અમારી આંખો સમક્ષ નિતનવી ડિઝાઇનમાં આ રંગોની પુરવણીની કલ્પનાઓ ખડી થઈ જતી.
એ પહેલાં બહુ નાનપણમાં જે ઘર હતું ત્યાં રંગોળી માટે આંગણમાં ગાર કરતાં. એના માટે ગાયનું છાણ શોધી લાવવાનું અને મસ્ત ઓટલો બનાવીને તેને લીપીએ. સામાન્ય એરિયામાં બાળકો જલ્દી બધું કામ શીખી જતા હોય છે, મને અનુભવ છે કે આ બધું અમે સાત-આઠ વર્ષની ઉંમરે કરતા હતા! અને એ સમયે લો ઇન્કમકલાસ કે હાયર મિડલ કલાસ વચ્ચે લાઈફ સ્ટાઈલનો મોટો ભેદ નહોતો. એટલે બધા માટે તહેવારોની ઉજવણી અને મનોરંજન લગભગ સમાન રીતનું રહેતું.
હવે બારેમાસ ખરીદીઓ ચાલતી હોય છે પણ એ સમયે લોકો સાતમ-આઠમ (સૌરાષ્ટ્રમાં), નવરાત્રી અને દિવાળી પર જ મુખત્વે ખરીદી કરતાં. સાતમ આઠમ અને દિવાળી આવતા પહેલા જ નવા નવા કપડાં પહેરવાની તૈયારી રૂપે ઘરે દરજી બેસાડે. એટલે કે સંચો લઈને દરજી ભાઈ પોતે જ આપણી ઘરે આવી જાય. અને પછી ચાર દિવસ અઠવાડિયું, જેવી જરૂરિયાત મુજબ એનું કામ ચાલે. ઘરના તમામ બાળકોના કપડાં લગભગ સરખા સરખા , એક તાંકામાંથી બનાવવામાં આવે. મોટી બહેનોના સલવાર કમિઝ ને નાની બહેન માટે એવું જ ફ્રોક, ક્યારેક તો ભાઈના બુસકોટ પણ એમાંથી જ બન્યા હોય એવો રિવાજ હતો. ઘરમાં દરજી બેસે એટલે આખાય ઘરના પરદા, ગાદલા ગોદડાની ખોળ, વધેલા કાપડના રૂમાલ, થેલી અને છેવટે ટુકડા ટુકડા જોડીને મસોતા પણ બની જાય! દરજી બેસે એ પ્રસંગ પણ ઉત્સવ જેવો લાગતો કે આપણા નવા કપડાં બનશે..ઓહ:હો દરજીભાઈને કહી કહીને માથું પકવતાં કે મારા ફ્રોકમાં આવી ઝૂલ મુકજો અને આવો ઘેર કરજો, આમ કરજો ને તેમ કરજો! દિવાળી પહેલાં આખી શેરીમાં કપડાંની ચર્ચાઓ ચાલતી. આજની જેમ ત્યારે, શું લીધું અને શું પહેરવાના છીએ એ સરપ્રાઈઝ રાખવાનો રિવાજ જ નહોતો, ઉલ્ટું શુ લીધું કે શું લેવાના છીએ એ કહેવાનો-બતાવવાનો લોકોને ઉત્સાહ રહેતો એટલે દિવાળીની ખરીદી કરીને આવેલી બહેનપણીને ઘેર બધી બહેનપણીઓએ એના નવાં કપડાં-ચપ્પલ-બુટી-બંગડી વગેરે જોવા જવાનું હોય. એ સમયે મખમલના ચાંદલા નવા નવા નીકળ્યા હતા અને વળી સરગમ પિક્ચર આવ્યું હતું એના ચમકતા સરગમ ચાંદલા નીકળ્યા હતાં, એ તો જાણે શાહી તિલક હોય એવો આનંદ આવતો.
દિવાળીના દિવા રંગવા, ડેકોરેટ કરવા એ અમારે ત્રીજું મહત્વનું અભિયાન હતું. વળી કાચના પારદર્શક ગ્લાસમાં કલર નાખેલા પાણીમાં તરતા દિવા અમારા વખતની ખૂબ રોમાંચક શોધ હતી. જાડા ઘાસના જાડા ડાળખાને એક એક ઇંચથી નાના ચાર ટુકડા ને એકબીજામાં પરોવી ચોરસ બનાવતા જેને અમે વાટ રાખવાની ખાટલી કહેતાં. સાથોસાથ ફળિયાના કુંડાને ગેરું કરવો એ પણ અમને મજા પડી જાય એવુ કામ હતું.
અગિયારસ આવતા જ દિવડા મુકવાની શરુઆત થઈ જાય.. ફળિયામાં અને પાળી ઉપર, બારીના ગોખમાં ક્યાં ક્યાં દિવા મુકવા હૈયું થનગની ઉઠે! સવાર સાંજની નવી ગોઠવણ! વળી હવામાં દિવા ટકે નહિ તો ઈંટો ગોઠવી ગોખલા બનાવવાના! નાના નાના કેટલા કામ! અને જેટલા કામ એટલો જ ઉમળકો!
પછી ઘેર ઘેર નાસ્તા બનાવવાના દિવસો શરૂ થાય. શેરીમાં બે -પાંચ બે-પાંચ ઘરો વચ્ચે એવો સંપ હોય જ કે દિવાળીના નાસ્તા-મીઠાઈ સાથે મળીને જ બનાવે.
હવે જે તે વસ્તુનો આનંદ રિલ્સ અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ્સ પૂરતો સીમિત થઈ ગયો છે, કોઈ સુંદર સ્થળના પ્રવાસે ગયા હોય કે પછી તહેવારોની ઉજવણી હોય, મહાલવાં અને માણવાં અને અનુભવવાને કરતાં તેને ઝટ દેખાડી દેવાનું મહત્વ વધ્યું છે
આજે દિવાળી પર એકબીજાને ઘેર મળવા જવાનો ટ્રેન્ડ ઓછો થતો જાય છે, દિવાળીમાં ક્યારેય ઘર બંધ ન કરાય એમ માનતા આપણે હવે દિવાળી એટલે પ્રવાસ એવું માનવા લાગ્યા છીએ, એ પણ સારું છે છતાં, સમુહજીવનની મીઠાસમાં ઓટ આવી રહી છે, પાસ-પડોશ સાથે ખાવુંપીવું, હળવું મળવું, સાથે સાથે દિવાળીના કામ કરવા અને સાથે સાથે દિવાળીની ખરીદી કરવાનો રિવાજ હવે ભુલાતો જાય છે. હવે મહેમાનો નથી આવતાં. પણ આપણને આ પરિવર્તન કોઠે પડી ગયું છે, ગમી ગયું છે!
ઘરના રોજિંદા કામ આટોપીને બૈરાઓ નાસ્તા બનાવવાની શરૂઆત કરે. સાથે મળીને વાતો કરતાં કરતાં પુરીઓ વણે, સક્કરપારા, ચક્રી અને જાતજાતના વ્યંજનો એક પછી એકની ઘેર બનાવવા નારી મંડળ એકઠું થતું હોય અને એમાં એમની સાથે સાથે ફરવામાં અમારી બાળ મંડળીને પણ મજો મજો પડી જાય! મઠીયા-ફાફડા, મોહનથાળ મગસની મીઠી સોડમથી શેરીઓ મઘમઘતી હોય!
શેરીની બાલ મંડળી ઘેર ઘેર ફટાકડા જોવા જવાનું! કોણે શું લીધું અને એ કેવી રીતે ફૂટશે એની ચર્ચાઓ જામતી. દિવસભર ચાંદલિયા અને નાગની ટીકડી બાળીને કામ ચલાવ્યું હોય કે ક્યારે રાત પડે અને ક્યારે ફટાકડા ફોડીએ! કોણ વધુ ફટાકડા ફોડે છે એ સ્પર્ધાનો વિષય રહેતો. કોના આંગણમાં ફટકડાનો કેટલો કચરો થયો એના પરથી કોણે કેટલા ફટાકડા ફોડયા એનો અંદાજ બાંધવાનો રહેતો! ફુલઝર, કોઠી, પેન્સિલ વાયર આ બધાની રોશનીમાં દિવાળી પર્વને ચાર ચાંદ લાગી જતાં.
બેસતાં વર્ષને દિવસની છડી પોકારતી હોય એમ સવારે પાંચ વાગ્યા પહેલા ‘સબરસ સબરસ…’ બુમો પડવી શરૂ થઈ જાય!
અને નવા વર્ષની ઉજવણી શરૂ. સવારે સૌ પ્રથમ મંદિરે જવાનું અને પછી શેરીના બાલ મંડળી મળી, ઓળખીતા કે ન ઓળખીતા પણ આખીય સોસાયટીના એક એક ઘરે સાલમુબારક કરવા જવાનું. ભાતભાતની મીઠાઈઓ, વ્યંજનો મળે, રંગીન શરબતો અને ભલું હોય તો ક્યાંક આઈસ્ક્રીમ પણ મળી જાય! અને ઉપરથી બે રૂપિયા પાંચ રૂપિયા..એવી ભેંટથી નાનકડું ખિસ્સું અને મનમાં હરખ છલકાય જતો!
જાતજાતનું ખાવાપીવાનું, ચાર દિવસના રોજેરોજ નવા નવા કપડાં, રંગોળી, દિવડા, ફટાકડા આ બધી જ પ્રક્રિયાની લિજ્જતનું મૂળભૂત પરિબળ હતું, સમુહજીવનનો આનંદ! આજે તો એ સમય કરતાં પણ વધુ અઢળક સાધન, સુખ સુવિધા, ભૌતિક ચીજોનો ખજાનો માણસોને હાથ લાગ્યો છે છતાં એ બધામાં પણ આપણી પેઢીને તો પહેલા જેવી રોનક નથી જ દેખાતી! અલબત્ત, આજની પેઢીને એ આનંદની ખબર જ નથી એટલે એમણે શું ખોયું છે , શું નથી મેળવ્યું એનો વસવસો નથી, એ એમની માટે વરદાન છે, એમનાં આનંદના માધ્યમો જુદા છે. આજે દિવાળી પર એકબીજાને ઘેર મળવા જવાનો ટ્રેન્ડ ઓછો થતો જાય છે. દિવાળીમાં ક્યારેય ઘર બંધ ન કરાય એમ માનતા આપણે હવે દિવાળી એટલે પ્રવાસ એવું માનવા લાગ્યા છીએ. એ પણ સારું છે છતાં, સમુહજીવનની મીઠાસમાં ઓટ આવી રહી છે.પાસ-પડોશ સાથે ખાવુંપીવું, હળવું મળવું, સાથે સાથે દિવાળીના કામ કરવા અને સાથે સાથે દિવાળીની ખરીદી કરવાનો રિવાજ હવે ભુલાતો જાય છે. હવે મહેમાનો નથી આવતાં. પણ આપણને આ પરિવર્તન કોઠે પડી ગયું છે, ગમી ગયું છે! હવે જે તે વસ્તુનો આનંદ રિલ્સ અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ્સ પૂરતો સીમિત થઈ ગયો છે. કોઈ સુંદર સ્થળના પ્રવાસે ગયા હોય કે પછી તહેવારોની ઉજવણી હોય, માહલવાં અને માણવાં અને અનુભવવાને કરતાં તેને ઝટ દેખાડી દેવાનું મહત્વ વધ્યું છે. એમાં જે-તે બાબતનો સહજ આનંદ લેવાનું ચુકી જવાય છે અને અંતે તો ત્યાં ને ત્યાં!