રાજ્ય સરકાર દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આગામી સમયમાં પાંચ જીલ્લામાં આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિ ખીલે અને તેમનામાં સાહસના ગુણ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થી ન હોય તેવા યુવક/યુવતીઓ પણ ભાગ લઈ શકશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
વધુમાં એક દિવસની ગુજરાત આરોહણ – અવરોહણ સ્પર્ધા અંતર્ગત ૧૪ થી ૧૮ વર્ષના જુનિયર વિભાગના ભાઇઓ/બહેનો માટે રાજકોટના ધોરાજી ખાતે આવેલા ઓસમ પર્વત, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ચોટીલા પર્વત, સાબરકાંઠામાં ઇંડર ખાતે ઇડરીયો પર્વત તેમજ ૧૯ થી ૩૫ વર્ષના સિનિયર વિભાગના ભાઇઓ/બહેનો માટે પંચમહાલમાં પાવાગઢ પર્વત, વલસાડ ખાતે આવેલા પારનેરા ડુંગર ઉપર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી નવેમ્બર -૨૦૨૪માં કરવામાં આવશે. જેમાં પાંચેય સ્પર્ધાઓમાં વિભાગવાર ૧ થી ૧૦ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકોને સીધીજ અખિલ ભારત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
આ ઉપરાંત સ્પર્ધામાં માત્ર એવા યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તે અરજી કરી શકશે. ઈચ્છુક યુવક-યુવતીઓ પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જે જગ્યાએ ભાગ લેવા માંગતા હોય તે ત્યાં તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં મોકલી આપવાનું રહેશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવનાર સ્પર્ધકને જે-તે સ્થળ ખાતે સ્વ-ખર્ચે આવવા- જવાનું રહેશે તથા સ્પર્ધા દરમ્યાન નિવાસ અને ભોજનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ઉપરાંત આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને જે તે સ્પર્ધાના આયોજક જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ અંગેની કોઇપણ બાબતની પુછપરછ માટે જે જિલ્લામાં સ્પર્ધાનું આયોજન થનાર છે. તે સંબંધિત જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.
- Advertisement -