13 વર્ષની કારકિર્દીમાં હોદાનો દુરઉપયોગ કરી 628.42% વધુ મિલકત વસાવી હતી
ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન ન કરતાં ધરપકડ થઈ હતી : એસીબીમાં નોંધાયો હતો અપ્રમાણસર મિલકતનો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા જેમાં તત્કાલિન ટીપીઓ મનસુખ ધનજી સાગઠીયાની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા એસીબીએ તપાસ શરૂ કરી હતી અને 13 વર્ષની કારકિર્દી દરમિયાન હોદાનો દુરુપયોગ કરી અપ્રમાણસર મિલ્કતો વસાવી હોવાનું ધ્યાને આવતા એસીબી પોલીસમાં ગુનો પણ નોંધાયો હતો જેથી કાયદેસરની આવક કરતા 628.42 ટકા અપ્રમાણસર મિલ્કતો જે રૂ.23.15 કરોડની થાય છે, તે ટાંચમાં લેવા ગૃહ વિભાગે મંજૂરી આપી છે.
એસીબીના સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-1988 (સુધારો-2018)ની કલમ-13(1)(બી) તથા 13(2) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. જેમાં રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફીસર (વર્ગ-1) આરોપી મનસુખ ધનાભાઈ સાગઠીયાએ ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીત રસમો અપનાવી નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું મનસુખ સાગઠીયાએ પોતાની ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ.3,86,85,647 ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂ.28,17,93,981નું સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ ખર્ચ કરી પોતાના કાયદેસરના આવકના સ્ત્રોત કરતા કૂલ રૂ.24,31,08,334 એટલે કે કાયદેસરની આવક કરતા 628.42 ટકા અપ્રમાણસર સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ/ખર્ચ કરેલ છે પોતાની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીત રસમો અપનાવી, રાજય સેવક તરીકેના હોદાનો દૂરઉપયોગ કરી, ગુન્હાહીત ગેરવર્તણુક આચરી લાંચીયાવૃતીથી નાણાં મેળવેલ હોવાનું દસ્તાવેજી પુરાવા ઉપરથી એસીબીને જાણવા મળેલ. જેથી આરોપીએ પોતાના તથા પોતાના પરીવારજનોના નામે વસાવેલ રૂ.23,15,48,256ની મિલ્કત ટાંચમાં લેવા માટે રાજય સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત અન્વયે ગૃહ વિભાગ તરફથી મંજુરી આપવામાં આવતા, જે મંજુરી આધારે આરોપીની મિલ્કતો તાત્કાલિક ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવશે. હવે એસીબી કોર્ટ સમક્ષ જશે અને મિલ્કતો ટાંચમાં લેવા મંજૂરી માંગશે.
સાગઠિયાએ વસાવેલી બેનામી સંપતિની વિગતો
જય બાબારી પેટ્રોલ પંપ (સોખડા, જિ. રાજકોટ)
ઈન્ડસટ્રીયલ ગોડાઉન-3 (સોખડા, જિ. રાજકોટ)
જય બાબારી પેટ્રોલ પંપ (ગોમટા, તા. ગોંડલ)
હોટલ અન્ડર કનસ્ટ્રકશન (ગોમટા, તા. ગોંડલ)
ફાર્મ હાઉસ (ગોમટા, તા. ગોંડલ)
ખેતીની જમીન (ગોમટા, તા. ગોંડલ)
ખેતીની જમીન (ચોરડી, તા. ગોંડલ)
ઉર્જા ઈન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન (શાપર તા. કોટડા સાંગાણીમાં)
બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ (મોવૈયા તા. પડધરી)
અનામીકા સોસાયટીમાં અન્ડર ક્ધસ્ટ્રકશન બંગલો (રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર)
આસ્થા સોસાયટીમાં ટેનામેનટ (રાજકોટ શહેરમાં માધાપર ખાતે)
સી-1701, એસ્ટર ફલેટ (અદાણી શાંતીગ્રામ ટાઉનશીપ, અમદાવાદ)
બી-7, 802, લા મરીના (અદાણી શાંતીગ્રામ ટાઉનશીપ, અમદાવાદ)
વાહનો કુલ- 6