વિપક્ષો સંગઠીત થાય તે પુર્વે જ ભાજપે રાજકીય દાવ લઈ લીધો
13-14મીએ બેંગ્લોરમાં યોજાનારી બીજી બેઠક રદ કરવાની જાહેરાત
- Advertisement -
લોકસભાની આગામી વર્ષે યોજાનારી ચુંટણી પુર્વે ભાજપ સામે સંગઠીત લડાઈ લડવા માટે મથી રહેલા અને એકતા સર્જવાનો પ્રયત્ન કરતા વિરોધપક્ષોને મહારાષ્ટ્રના વધુ એક બળવાથી જબરદસ્ત ઝટકો લાગ્યો હોય તેમ આગામી 13-14મીએ બેંગ્લોરમાં યોજાનારી એકતા બેઠક સ્થગીત કરી દેવામાં આવી છે. હવે સંસદના ચોમાસુ સત્ર બાદ બેઠક કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.
લોકસભા ચુંટણીમાં ભાજપને ભરી પીવા કોંગ્રેસ સહિતના દોઢ ડઝન વિરોધપક્ષોએ એકતાનો નારો લગાવીને સંગઠીત થવાની દિશામાં બેઠકો શરૂ કરી હતી પરંતુ વિપક્ષી એકતા પર ભાજપે પ્રથમ ઘા મારીને સપનુ ચકનાચુર કરી નાખ્યાનો ઘાટ સર્જાયો હતો. મહારાષ્ટ્રમાં અણધાર્યા રાજકીય ઘટનાક્રમથી વિપક્ષો પણ સ્તબ્ધ થઈ ગયા હોય તેમ નવી બેઠક મુલત્વી રાખી દેવામાં આવી છે. પ્રથમ બેઠક પટણામાં યોજાઈ હતી અને સંગઠીત લડાઈ લડવા તમામ પક્ષોએ સહમતી દર્શાવી હતી.
બીજી બેઠક 13-14મીએ બેંગ્લોરમાં યોજવાનું જાહેર કર્યુ હતું તે હવે સ્થગીત કરી દેવામાં આવી છે. જનતાદળ (યુ)ના નેતા કે.સી.ત્યાગીએ જાહેર કર્યુ કે વિપક્ષી એકતા બેઠક હવે સંસદના ચોમાસુ સત્ર બાદ યોજાશે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જો કે, તેઓએ બેઠક રદ કરવા પાછળ એવુ કારણ આપ્યુ હતું કે બિહાર તથા કર્ણાટક વિધાનસભાના સત્ર હોવાના કારણોસર અનુકુળ રહ્યુ ન હતું. બિહાર વિધાનસભાનું ચોમાસુ સત્ર 10થી24 જુલાઈએ છે અને નીતીશકુમાર તથા તેજસ્વી યાદવ તેમાં વ્યસ્ત હોવાથી બેઠક મુલત્વી રાખવા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને જાણ કરી હતી.
- Advertisement -
સંસદનું સત્ર 20 જુલાઈથી 11 ઓગષ્ટ સુધી યોજાવાનું ઉલ્લેખનીય છે. વિપક્ષી બેઠક સ્થગીત કરવા પાછળ ભલે કર્ણાટક-બિહાર વિધાનસભા સત્રને આગળ ધરવામા આવે છતાં મહારાષ્ટ્રના રાજકીય ધમાસાણને કારણે મીટીંગ રદ કરવામાં આવી હોવાનું મનાય છે. રાજકીય નિષ્ણાંતોનો એવો સૂર છે કે વિપક્ષી એકતાને વેરવિખેર કરવા ભાજપ દ્વારા રાજકીય ખેલ નાખવામાં આવ્યો છે. આવતા દિવસોમાં મહારાષ્ટ્રની જેમ બિહારમાં ભંગાણ સર્જાવાની શકયતા પણ નકારાતી નથી.