અફઘાનિસ્તાનમાં 2021ના વર્ષમાં અફીણ સહિતના નશીલા પદાર્થોનું ઉત્પાદન 2.7 અબજ ડોલર થયું હતું
તાલિબાન સરકારે અફિણના સહિત નશીલા પદાર્થો બંધ કરવા પ્રયાસો શરૂ કર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે અફીણ હેરોઈન સહિતના નશીલા પદાર્થોનું ઉત્પાદન બંધ થાય તે માટે મોટાપાયે પ્રયાસો શરૂ કર્યા છે. અફઘાનિસ્તાનના ખેડૂતો વર્ષોથી અફીણની ખેતી કરે છે. અફીણની ખેતી બંધ થશે તો અસંખ્ય ખેડૂતો ગરીબીમાં ધકેલાશે તેવી દહેશત પણ વ્યક્ત થઈ છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે નશીલા પદાર્થોનું ઉત્પાદન ઘટે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. 2021માં અફઘાનિસ્તાનમાં 1.8 અબજ ડોલરથી 2.7 અબજ ડોલરના નશીલા પદાર્થોનું ઉત્પાદન થયું હતું. અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી મોટાપાયે થાય છે. અફઘાનિસ્તાનના જીડીપીમાં નશીલા પદાર્થોના ઉત્પાદનનો હિસ્સો 14 ટકા જેટલો ઊંચો છે. અફઘાનિસ્તાનમાં 2020માં 590 ટન હેરોઈનનું ઉત્પાદન થયું હતું, જે 2021માં વધીને 650 ટને પહોંચ્યું હતું. એ જ રીતે અફીણની ખેતી પાંચ લાખ હેક્ટરે પહોંચી ગઈ છે. વર્ષે 3400 ટન અફીણનું ઉત્પાદન અફઘાનિસ્તાન કરે છે.
અફઘાનિસ્તાનના ગૃહમંત્રીએ થોડા દિવસ પહેલાં એક નિવેદનમાં કહ્યું હતું કે શરિયા કાયદા પ્રમાણે નશીલા પદાર્થોનું ઉત્પાદન કરવું કે નશીલા પદાર્થોનું સેવન કરવું તે ધર્મથી વિરૂદ્ધ છે. ખેડૂતોએ એવી દહેશત વ્યક્ત કરી હતી કે બીજા વિકલ્પ વગર અચાનક અફીણની ખેતી બંધ કરી દેવામાં આવશે તો અસંખ્ય ખેડૂતો ગરીબી રેખાની નીચે ધકેલાઈ જશે. 87 અફઘાનિસ્તાન દુનિયામાં અફીણનું સૌથી મોટું ઉત્પાદક છે. યુરોપ-એશિયામાં પહોંચતા નશીલા પદાર્થો અફઘાનિસ્તાનમાં તૈયાર થાય છે. છેલ્લાં 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી બમણી થઈ ચૂકી છે.