હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થતા સ્થાનિક રોજગારી વધશે- સામાન્ય વર્ગના લોકો પણ હવાઇ મુસાફરી કરી શકે તેવું સરકારનું વિઝન છે: કલેકટર રેમ્યા મોહન
1025 હેકટરમાં બની રહેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ફેઝ-1નું કામ આવતા વર્ષે ઓગષ્ટ-2022 સુધીમાં અને ફેઝ-2નું કામ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતને કેન્દ્રીય પુરસ્કૃત બહુઆયામી વિકાસલક્ષી પ્રોજેક્ટસ મળ્યા છે. પ્રધાનમંત્રીના હસ્તે શિલાન્યાસ થયેલા મોટા પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ રાજકોટ નજીક આકાર પામી રહયો છે. રાજકોટ નજીકનું વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ બનનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના પરિવહન ક્ષેત્રના વિકાસની સાથે નાગરિક સુવિધાઓને નવી દિશા આપશે.
રાજકોટ શહેરની બહાર અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક 1025 હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું કે પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનું છે. જે ઓગસ્ટ 2022 સુધીમાં પુર્ણ થશે. જયારે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. જે ટુંક સમયમાં શરૂ થશે અને ડીસે. 2022 સુધીમાં પુર્ણ કરી માર્ચ 2023 સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે. કુલ 1400 કરોડનો પ્રોજેકટ સાકાર થવા જઇ રહયો છે. કલેકટર રેમ્યા મોહને કહયું હતું કે આ પ્રોજેકટને લીધે સ્થાનિકોને રોજગારીમાં વધારો થઇ શકે છે. લોકોના પરીવહન – મુસાફરી સેવાઓની ગુણવતા પણ વધશે. એટલું જ લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો હોય છે. પ્રધાનમંત્રીનું પણ વિઝન છે કે સામાન્ય લોકોને પોસાય તેવી ઉડાન સેવાઓ ઉપલબ્ધ થાય અને તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ એરપોર્ટના નિર્માણની કામગીરી સાથે જોડાયેલ કંપનીના પ્રોજેક્ટ હેડ સંતોષ યાદવે કહ્યું કે એ.એ.આઇ.નો આ પ્રથમ ઈ.પી.એસ. કોન્ટેક્ટ પ્રોજેક્ટ છે, જેમાં કંપનીએ સફળતાપૂર્વક કેટલુંક ચેલેન્જિંગ કામ કર્યું છે. તેઓએ કહ્યું કે ફેઝ-1 નું કામ અમારી કંપની દ્વારા કરવામાં આવી રહયું છે, જે 2022 ના વર્ષના અંત પહેલા પૂર્ણ કરી દેવાશે. ટર્મિનલ બિલ્ડીંગ અને અન્ય આખરી ઓપની કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે.
હાલ 3040 મીટરના સિંગલ રન વેની કામગીરી 46 ટકા થઈ ગઈ છે.
3040 લંબાઈના વન વેમાં 45 મીટર પહોળાઈ અને બંને છેડે 10 મીટરનો સોલ્ડર અંદાજે 60 મીટર પહોળો રહેશે. એપ્રોન એરિયા (પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા ઉતરવા માટેની જગ્યા) ની કામગીરી થઈ ગઈ છે, જેનો વિસ્તાર 354 ડ 152 મીટર રહેશે. પેરેલલ ટેક્સી ટ્રેક ત્રણ લિન્ક થી જોડાયેલ છે, જેનું કામ પણ 90 ટકા પૂર્ણ થયેલ છે. જયારે ગ્રેડિંગ વર્ક 50 ટકા થઇ ગયું છે.
એરપોર્ટ મથકની ફરતે બાઉન્ડ્રી વોલ 27 કી.મી.ની રહેશે જેમાં સાત કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. રાજકોટના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ પણ સ્થાનિક તંત્ર સંલગ્ન કામગીરીનું સંકલન કરી રહ્યા છે. હિરાસર એરપોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી હોય કે રાજ્ય સરકારની કચેરીઓ સંલગ્ન મંજૂરીઓ તેમજ અન્ય કામગીરીઓમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલનમાં રહીને સહકાર સાથે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.