અલ્પેશ રાજપાલ નામના વ્યક્તિએ આપી ધમકી: બંને વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ
આણંદ કલેક્ટર ઓફિસમાં મહિલાને મોકલીને કલેક્ટર ડી. એસ ગઢવીને કાવતરામાં ફસાવનાર કેતકી વ્યાસ સામે અવાજ ઉઠાવનાર દિપક પરમારને ફોન પર મળી ધમકી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે અઉખ કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આ ત્રણેયના અનેક કારસ્તાન સામે આવી રહ્યા છે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ વચ્ચે કટકીખોર કેતકી વ્યાસ સામે અવાજ ઉઠાવનાર દિપક પરમારને ધમકી મળી છે. અલ્પેશ રાજપાલ નામના વ્યક્તિએ દિપક પરમારને ફોન કરીને ધમકી આપી છે. અલ્પેશ રાજપાલ અને દિપક પરમાર વચ્ચે થયેલી ફોન પર વાતચીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. અલ્પેશ રાજપાલે સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમારને રોડ અકસ્માતમાં મારી નાખવાની ધમકી આપી છે. ઓડિયો ક્લિપમાં અલ્પેશ કહે છે કે ’કેતકી વ્યાસ બહુ મોટું નામ છે. શાંતિથી મામલો પતાવી દો નહીં તો ભરાઈ જશો. કેતકી વ્યાસની 300 વિઘા જમીન છે એની કિંમત શું થાય એ તમને ખબર છે, એ જમીનની 6000 કરોડ રૂપિયા કિંમત થાય છે. આ જમીન અમદાવાદ સરખેજ હાઇવે ઉપર છે. તમે ચુપચાપ પતાવી દો, બાકી ભરાઈ જશો તો કોઈ કાઢશે નહીં. રોડ એક્સિડન્ટ બહુ થાય છે એમાં તમે કશું ન કરી શકો. દિપક પરમાર મોટું નામ નથી કેતકી વ્યાસ બહુ મોટું નામ છે.’
કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન હોવાનો સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર દ્વારા ગતરોજ દાવો કરવામાં આવ્યો છે. દિપક પરમારે દાવો કર્યો હતો કે, કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000 વાર કરતા વધારે જમીન ખરીદી હતી. પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન કેતકી વ્યાસે પોતાના નામે કરી લીધી હતી. એટલું જ નહીં તેમણે પાટણના કોટાવડ ખાતે ખેડૂત હોવાનો દાખલો આપીને આ જમીન ખરીદી હતી.
આ જમીન પર હાલમાં પેટ્રોલ પંપ પણ છે. અકલાચા જમીન ખરીદી વાળી જમીનની ફાઇલ ગાયબ છે. કેતકી વ્યાસ પહેલેથી અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. કેતકી અગાઉ પણ કાંડ કરી ચૂકી છે. અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું, ત્યારે પણ તેણે અનેક કૌભાંડો આચર્યા હતા. કેતકી વ્યાસ સામે આ પહેલા પણ જમીન પ્રકરણમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામની જમીન પ્રકરણમાં કેતકી વ્યાસ સામે ઈન્કવાયરી થઈ હતી.