કોર્પોરેશનની તમામ સેવાઓમાં વેરાબિલને બનાવાયું ફરજિયાત
રાજકોટ મહાનગર પાલિકાના કમાઉ દિકરા સમાન વેરાવિભાગનો લક્ષાંક એક પણ વર્ષે પૂરો થતો નથી. બાકીદારો સ્વયંભૂ મિલ્કતવેરો ભરવા આવતા ન હોવાથી સીલીંગ અને મિલ્કત જપ્તી સહિતની કામગીરી કરવામાં આવે છે. તેમજ અન્ય સેવાઓ લેવા માટે આસામીઓએ મિલ્કત વેરો ફરજીયાત ભરેલો હોવાનો નિયમ અમલમાં મુક્યો છે. જેમાં લાઈન દ્વારા ગેસ કનેક્શન લેવામાં આવે ત્યારે વેરાબિલનો ઉલ્લેખ થતો ન હોય જેવા નવા ગેસ કનેક્શન લેતી વખતે વેરાબીલ ભરેલું હોવુ જોઈએ તેવા નિયમની અમલવારી કરાવવા માટે વેરાવિભાગે તૈયારી આરંભી છે.
વેરાવિભાગના સુત્રોના જણાવ્યા મુજબ હાલ રાજકોટ શહેરમાં પ્લાનકમ્પલીશન નવુ નળજોડાણ, વ્યવસાય વેરો, તેમજ અન્ય મહાનગરપાલિકાની સેવા મેળવવા માટે મિલ્કત વેરાબીલ છેલ્લા વર્ષનું ભરેલુ હોવું ફરજીયાતનો નિયમ અમલમાં છે.પરંતુ રાજકોટ શહેરમાં લાઈન વાટે ગેસ કનેક્શન મેળવનારા આસામીઓને આ નિયમ લાગુ પડતો નથી. નવા ગેસ કનેક્શન માટે આસામી દ્વારા અરજી કરવામાં આવે ત્યારે રોડ ખોદવાની મંજુરી માટે ગેસ કંપની મહાનગર પાલિકાને અરજી કરી જે તે વિસ્તાર તેમજ શેરી અને મકાન સહિતની વિગત પુરી પાડી મંજુરી માંગતા હોય છે.
- Advertisement -
મંજુરી મળ્યા બાદ નવું ગેસ કનેક્શન મળી શકે છે. આ વર્ષે પણ વેરાવિભાગનો લક્ષાંક પુરો થઈ શખે તેમ નથી. અને રિકવરી માટે સીલીંગ તેમજ મિલ્કત જપ્તી સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે અન્ય સેવાઓની માફક ગેસ કનેક્શનમાં પણ જો ફરજીયાત મિલ્કત વેરાનો નિયમ લાગુ કરવામાં આવે તો દસ ટકા રિકવરી સરળતાથી થઈ શકે છે. તેવું લાગતા વેરાવિભાગના અધિકારીઓએ આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ગેસ કનેક્શન નવુ મેળવવા માટે અરજી કરનાર અરજદારની મિલ્કતનો વેરો પણ છેલ્લાવર્ષનો ભરેલો હોવો જોઈએ તોવો નિયમ લાગુ કરવા જણાવ્યું છે.
આથી રાજકોટ શહેરમાં નવુ ગેસ કનેક્શન લેનાર દરેક આસામીઓનો ચડત અથવા ચાલુ વર્ષનો વેરો ભરપાઈ થઈ જશે. જેના કારણે વેરાવિભાગની રિકવરી કામગીરી પણ હળવી બનશે અને મનપાની તેજુરીમાં પણ નવી આવક શરૂ થશે. આમ વેરાવિભાગે નવા ગેસ કનેક્શનમાં પણ વેરાબીલને ફરજીયાત બનાવવા કવાયત હાથ ધરી છે.