દ્વિજ ગાંધીએ પોતાની અદ્ભુત સિદ્ધિથી પરિવારનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું
અમદાવાદના નવ વર્ષના બાળકે પોતાની વિશેષ કળાથી દેશ-વિદેશમાં પોતાના પરિવારનું તથા સનાતન ધર્મ નું નામ રોશન કર્યું છે. આ બાળકે સમગ્ર શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે. ગિનિસ બુક દ્વારા ભારતમાં ચલાવાતા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં આ બાળકને સ્થાન મળ્યું છે. જેને લઇને પરિવારનાં તમામ સભ્યો ખુશખુશાલ છે. આ રેકોર્ડ પ્રાપ્ત કરનાર બાળક માત્ર નવ વર્ષનો છે અને આ બાળકે પોતાની અદ્ભુત સિદ્ધિથી પરિવારનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે.
9 વર્ષના આ બાળકનું નામ દ્વિજ ગાંધી છે, જે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે. સામાન્ય રીતે કોરોના કાળ દરમિયાન બાળકોને મોબાઈલમાં ગેમ રમવાની કુટેવ લાગી હતી પરંતુ દ્વિજને કંઈક અલગ જ લગન હતી. દ્વિજ ગાંધીએ માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોના સહયોગથી ગીતા પરિવારમાં જોડાઈને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ અને અધ્યન કરવાનું પસંદ કર્યું હતું. જે બાદ તેને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે.
- Advertisement -
આ અંગે દ્વિજ ગાંધીએ જણાવ્યું કે 7 વર્ષનો હતો ત્યારે પહેલું લોકડાઉન થયું હતું એ સમયે નાના-નાની સાથે વાત કરતા ગીતા પરિવાર અંગે જાણવા મળ્યું અને તેનામાં ગીતાના અઘ્યયન અંગે બીજ રોપાયું. દ્વિજને ગીતાજીનો સાર ખૂબ નાની ઉંમરમાં સમજીને તેને કંઈક નવું કરવાની ઈચ્છા જાગી અને અત્યાર સુધી કોઈએ ન કર્યું હોય તેવું કાર્ય કરવા માટે દ્વિજ અને તેના પરિવારે મહેનત શરૂ કરી હતી.