કેરળ અને તામિલનાડુમાં 127 અને 113 બેડ સાથે ટોચ પર : ગુજરાતનું પાંચમુ સ્થાન
લોકસભામાં રજૂ કરવામાં આવેલાં ડેટા અનુસાર ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં દર 10000 વસ્તી દીઠ 76 બેડ છે, જે રાષ્ટ્રીય સરેરાશ 67 બેડને વટાવી ગયો છે. 31 માર્ચ, 2023 સુધીમાં રાજ્ય સરકાર સંચાલિત આરોગ્ય સુવિધાઓમાં 46237 બેડ હતાં. જે 2011ની વસ્તી ગણતરીના ડેટા પર આધારિત છે.
- Advertisement -
જે અનુસાર ગુજરાતમાં 6.04 કરોડની વસ્તી હતી. કેરળ અને તમિલનાડુ રાજ્યોમાં અનુક્રમે 10000ની વસ્તી દીઠ 127 અને 113 બેડ સાથે ટોચનાં રાજ્યોમાં છે.
મેડિકલ કોલેજ હોસ્પિટલો, જે એક તૃતીય આરોગ્ય સંભાળ પૂરી પાડે છે જે કુલ બેડના 39 ટકાનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રોનો હિસ્સો 24 ટકા છે જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો હિસ્સો 20 ટકા છે. જિલ્લા હોસ્પિટલોનો હિસ્સો અનુક્રમે 10 ટકા અને પેટા જિલ્લા હોસ્પિટલનો હિસ્સો 7 ટકા છે. ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ ધોરણો અનુસાર પીએચસીમાં 20000-30000 ની વસ્તી દીઠ છ ઇન્ડોર અથવા ઓબ્ઝર્વેશન બેડ હોવા જોઈએ. સીએચસીની 30 બેડવાળી હોસ્પિટલો 80000-120000 લોકોને આવરી લે છે, પેટા જિલ્લા હોસ્પિટલો 31-100 બેડ સાથે એક લાખથી 5 લાખ લોકોને આવરી લે છે. જિલ્લા હોસ્પિટલો 100 થી 500 બેડ સાથે 30 લાખ સુધીની વસ્તીને આવરી લે છે.
જાહેર આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું હતું કે “કોવિડ પછી, રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટલની બેડોની સંખ્યામાં વધારો થયો છે. જો કે, સમયની જરૂરિયાત એ છે કે ગ્રામીણ આરોગ્યસંભાળ પ્રણાલીને મજબૂત કરવી જોઈએ. અમદાવાદ જેવાં શહેરોમાં એકંદરે બિન ચેપી રોગોમાં વધારો થયો છે, અને સમયસર અને સસ્તી સારવાર માટે સરકારી હોસ્પિટલો જરૂરી છે.