ખાસ-ખબર સંવાદદાતા
સપ્ટેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઑક્ટોબરની શરૂઆતમાં જ ઓનલાઈન પેમેન્ટમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરો છો, તો તમારી ચુકવણીનો મોડ પણ બદલાઈ જશે. ભારતીય રિઝર્વ બેંક નો કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઇઝેશન નિયમ અમલમાં આવવાનો છે. આનાથી એક તરફ કાર્ડ ધારકોના પેમેન્ટ અનુભવમાં સુધારો થશે, તો બીજી તરફ ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે. ભારતીય રિઝર્વ બેંક 1 ઓક્ટોબર, 2022 થી ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. જ્યારે પણ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ યુઝર્સ પોઈન્ટ ઓફ સેલ મશીનો પર, ઓનલાઈન અથવા કોઈ એપમાં પેમેન્ટ કરે છે, ત્યારે તેમના કાર્ડની વિગતો એનક્રિપ્ટેડ ટોક્ધસના રૂપમાં સ્ટોર કરવામાં આવશે. એટલે કે, તે સ્પષ્ટ છે કે કોઈપણ પેમેન્ટ કંપની તમારો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ડેટા સ્ટોર કરી શકશે નહીં.
ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ થયા પછી, પેમેન્ટ કંપનીઓએ તમારા કાર્ડના બદલામાં એક વૈકલ્પિક કોડ અથવા ટોકન આપવાનું રહેશે, જેનો ઉપયોગ બહુવિધ કાર્ડ માટે કરી શકાશે. આનાથી ચુકવણીનો મોડ બદલાશે, કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કાર્ડ આપવાને બદલે માત્ર આ યુનિક ટોકનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
- Advertisement -
ભારતીય રિઝર્વ બેંકએ તમામ ઓપરેટિંગ બેંકોને કાર્ડ વિગતો માટે ટોક્ધસ જનરેટ કરવા કહ્યું છે. આરબીઆઈનું માનવું છે કે ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની માહિતી લીક થવાને કારણે તેમની સાથે છેતરપિંડી થવાનું જોખમ વધી રહ્યું છે, પરંતુ કાર્ડના બદલે ટોકન પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાને કારણે છેતરપિંડીના કેસમાં ઘટાડો થશે. આ નવી સુવિધાનો લાભ લેવા માટે, યુઝરને કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઉપરાંત, તેનો ઉપયોગ પણ સંપૂર્ણપણે વપરાશકર્તા પર નિર્ભર રહેશે કે તેના કાર્ડને ટોકનાઇઝ કરવું અથવા તો જૂની રીતે ચુકવણી ચાલુ રાખવા માંગે છે. જે ગ્રાહકો ટોકન જનરેટ કરવા માંગતા નથી તેઓ ટ્રાન્ઝેક્શન કરતી વખતે કાર્ડની વિગતો જાતે દાખલ કરીને પહેલાની જેમ જ પેમેન્ટ કરી શકે છે. અહીં જણાવી દઈએ કે ટોકનાઇઝેશન સિસ્ટમ હેઠળ, ટોકન નંબર વિઝા, માસ્ટરકાર્ડ અને રૂપેય જેવા કાર્ડ નેટવર્ક દ્વારા જારી કરવામાં આવશે.