કોઈ માટે મનોરંજન, તો કોઈ માટે રોકાણ: ગેમિંગ બની રહ્યું છે લાઈફસ્ટાઈલનો ભાગ
ખાસ-ખબર ન્યૂઝ ઈં નવી દિલ્હી, તા.19
ઑનલાઇન ગેમિંગનો ભારતીયોમાં એટલો ક્રેઝ છે કે તે દર મહિને યુપીઆઈથી દસ હજાર કરોડ કરતાં વધુ રકમ એટલે કે વર્ષે 1.20 લાખ કરોડથી વધુ રકમ ખર્ચી કાઢે છે. તેમા પણ ચાલુ વર્ષે એટલે કે વર્તમાન નાણાકીય વર્ષમાં તો રૂૂ. 41,000 કરોડથી વધુની રકમ ખર્ચાઈ ચૂકી છે. આ શબ્દો બીજા કોઈના નહીં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંતા નાગેશ્ર્વરરાવના છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા વિવિધ કેટેગરીઓના મર્ચન્ટ્સને કરવામાં આવતા પેમેન્ટનો બ્રેક-અપ પહેલી વખત રજૂ કર્યો તે સમયે મુખ્ય આર્થિક સલાહકારે આ વાત જણાવી હતી. આ આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ચાર મહિનામાં જ યુપીઆઈ દ્વારા ઓનલાઇન ગેમિંગ પેટે પ્રતિ માસ રુ. 10,000 કરોડથી વધુ રકમની ચૂકવણી થઈ છે.
આ આંકડો જ બતાવે છે કે ભારતીયો ઓનલાઇન ગેમિંગ પાછળ કેટલા રૂપિયા ખર્ચી રહ્યા છે. આ રકમ પ્રતિ માસ રૂ. 10,000 કરોડથી વધારે એટલે કે વર્ષે રૂ. 1.20 લાખ કરોડથી પણ વધી જાય છે. આ આંકડો ફક્ત યુપીઆઈ દ્વારા થતી જ ચૂકવણીનો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ દ્વારા વિવિધ મંત્રાલયો અને વિભાગોના આંકડાકી સલાહકારો વચ્ચે યોજાયેલી બેઠકને સંબોધતા નાગેશ્ર્વરને આ વાત જણાવી હતી.
સરકારના મુખ્ય આર્થિક સલાહકારે આ આંકડાકીય સલાહકારોને જણાવ્યું હતું કે ગ્રાહક ખર્ચ, જીડીપી વૃદ્ધિ, બચત અને અસ્થાયી આવકની અસરોનો અભ્યાસ કરવા માટે એક અલગ વર્કશોપનું આયોજન કરવું જોઈએ. આ અઠવાડિયે અગાઉ એનપીસીઆઈએ જારી કરેલા આંકડા મુજબ એપ્રિલથી જુલાઈ 2025-26 દરમિયાન ડિજિટલ ગેમ્સ માટે યુપીઆઈ દ્વારા રૂ. 40,992 કરોડની રકમ ચૂકવાઈ હતી. આટલી જ રકમ સ્ટોરમાંથી દવાની ખરીદી અને ફાર્મસી પેટે ચૂકવાઈ હતી. આ યુપીઆઈ ચૂકવણી એપ્રિલથી જુલાઈ સુધીના પૂરા થયેલા ચાર મહિનાના 27.77 લાખ કરોડના કુલ યુપીઆઈ ચૂકવણીનો 1.5 ટકા હિસ્સો છે. વોલ્યુમની રીતે જોઈએ તો તે કુલ યુપીઆઈ ટ્રાન્ઝેકશનનો 3.4 ટકા હિસ્સો થાય છે.