HCએ કહ્યું કે, ‘કોઈ મહિલાને છેતરીને ખોટો વાયદો કરીને તેની સાથે સંબંધ બનાવવું અપરાધ છે પરંતુ લગ્ન કર્યાનો વાયદો પૂર્ણ ન કરવો એ દંડનીય નથી.’
લગ્નનો વાયદો કરીને રેપ કર્યા હોવાના કેસ ઘણીવાર સામે આવે છે. તેવામાં મધ્યપ્રદેશમાં એક એવો જ મામલો સામે આવ્યો. 3 બાળકોની માતાએ એક વ્યક્તિ પર આરોપ મૂક્યો કે તેણે લગ્નનો વાયદો કરીને રેપ કર્યો છે. આ આરોપને પડકારતી અરજી આરોપીએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં કરી હતી. હાઈકોર્ટે આ મામલે ટિપ્પણી કરતાં કહ્યું કે લગ્નનો વાયદો સાચો હતો કે ખોટો તે જાણવા માટે એક વર્ષથી વધુનો સમય પૂરતો છે.
- Advertisement -
‘કાયદાની દ્રષ્ટિએ દંડનીય નથી’
કોર્ટે કહ્યું કે આરોપીની સામે રેપનો કેસ ચલાવવો કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કહેવાશે.મધ્યપ્રદેશ હાઈકોર્ટનાં જસ્ટિસ દીપક કુમાર અગ્રવાલે SCનાં કેટલાક કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વાયદો કરીને પાછું ફરી જવું અને લગ્ન માટે ખોટો વાયદો કરવામાં ફરક હોય છે. લગ્ન કર્યાનો વાયદો પૂર્ણ ન કરવો એ કાયદાની દ્રષ્ટિએ દંડનીય નથી.
‘એક વર્ષથી વધુનો સમય પૂરતો છે’
HCએ કહ્યું કે કોઈ મહિલાને છેતરીને ખોટો વાયદો કરીને તેની સાથે સંબંધ બનાવવું અપરાધ છે. બીજી તરફ વાયદો પૂરો ન કરવાની ઘટનાને ખોટો વાયદો કર્યો, એવું ન કહી શકાય. કોર્ટે કહ્યું કે ફરિયાદી મહિલા ઘણાં સમયથી આરોપીની સાથે રિલેશનશિપમાં હતી. એટલું જ નહીં તે તેના આવાસ પર પણ ગઈ હતી. કોઈપણ સમજદાર મહિલા માટે એક વર્ષથી વધારેનો સમય એ જાણવા માટે પૂરતો છે કે લગ્ન કરવાનો વાયદો સાચો છે કે ખોટો. કોર્ટે કહ્યું કે આરોપીએ લગ્ન કરવાની મનાઈ કરી તે બાદ પણ મહિલાએ તેની સાથે શા માટે સંબંધ જાળવી રાખ્યો?
આરોપીનાં વકીલે આ દલીલ આપી
આરોપીનાં વકીલે દલીલ કરતાં કહ્યું કે મહિલાએ પોતાની મરજીથી આરોપીની સાથે શારીરિક સંબંધ બનાવ્યાં હતાં. બીજી તરફ મહિલાએ વકીલને કાઉંટર કરતાં કહ્યું કે જો કોઈ છોકરી લગ્નનાં ખોટા વાયદામાં વિશ્વાસ કરીને સંબંધ બનાવવા માટે સહમતિ આપે છે તો તેનો કંસેટ અર્થહિન છે.
- Advertisement -
હાઈકોર્ટે અરજી ફગાવી
બંને પક્ષોની દલીલ સાંભળ્યાં બાદ હાઈકોર્ટે કહ્યું કે આ મામલામાં એવું કહી શકાય છે કે આરોપી લગ્નનાં વાયદાથી ફરી ગયો પરંતુ તેણે ખોટો વાયદો કર્યો છે કે નહીં તે ન કહી શકાય. કોર્ટે આરોપીની સામે કરવામાં આવેલ ફોજદારી કાર્યવાહી રદ કરી.