લોકસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક સાથે યોજવાના બદલે એક સપ્તાહમાં થાય તો ખર્ચ ઘટીને રૂ.5 લાખ કરોડ થઈ શકે: દેશમાં લોકસભાની 543, વિધાનસભાની 4,500, જિલ્લા પરિષદોની 650, તાલુકાની 7,000, ગ્રામ પંચાયતોની 2,50,000 બેઠકો
કેન્દ્ર સરકારની એક સાથે ચૂંટણીની ભલામણ વચ્ચે થયેલા અભ્યાસમાં ચોંકાવનારો દાવો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારની ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ની દરખાસ્ત સાથે દેશમાં એક સાથે ચૂંટણી યોજવાના નફા-નુકસાન અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે મંગળવારે જાહેર થયેલા એક અભ્યાસ મુજબ દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે કરવામાં આવે તો અંદાજે રૂ. 10 લાખ કરોડનો ખર્ચ કરવો પડી શકે છે. જોકે, આ ચૂંટણી માત્ર એક સપ્તાહમાં પૂરી કરવામાં આવે અને પક્ષો મોડેલ કોડનું ચુસ્તતા પૂર્વક પાલન કરે તો આ ખર્ચમાં રૂ. 3થી 5 લાખ કરોડનો ઘટાડો કરી શકાય છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ વર્ષ 2024માં લોકસભા ચૂંટણીમાં રૂ. 1.20 લાખ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે, જેમાં ચૂંટણી પંચનો ખર્ચ માત્ર 20 ટકા જેટલો હોઈ શકે છે. વધુમાં તેમાં નવા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ પરના ખર્ચનો સમાવેશ કરાયો નથી. જાહેર નીતિઓ પર સંશોધન આધારિત વિશ્લેષણ કરનારા એન ભાસ્કર રાવના જણાવ્યા મુજબ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ (મ્યુનિસિપાલિટી, તાલુકા, ગ્રામ પંચાયતો)ની ચૂંટણી એક સાથે કરવા માટે અંદાજે રૂ. 10 લાખ કરોડનો ખર્ચ થાય. જોકે, ચૂંટણીમાં ખર્ચ કરવામાં આવેલો બધો જ ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કર્યો હોય તે જરૂરી નથી. પક્ષો પણ ઉમેદવારોના પ્રચાર પર ખર્ચ કરે છે. મોટાભાગે પક્ષોનો ચૂંટણી પ્રચાર ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં જ શરૂ થઈ જાય છે.
વધુમાં પક્ષો માટે ચૂંટણીની તારીખો જાહેર થયા પછીથી પૂરી થાય ત્યાં સુધી કરવામાં આવેલા ખર્ચનો હિસાબ ચૂંટણી પંચને આપવો ફરજિયાત છે. ચૂંટણીઓમાં ઉમેદવારો પર ખર્ચની રકમ પર મર્યાદા મુકાયેલી છે, પરંતુ પક્ષો પર કોઈ પ્રતિબંધ નથી. ઉદાહરણરૂપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પક્ષોએ સંયુક્ત રીતે કુલ રૂ. 6,400 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું, પરંતુ તેમણે રૂ. 2,600 કરોડનો ખર્ચ કર્યો હતો. એન. ભાસ્કર રાવના જણાવ્યા મુજબ 2024ની લોકસભા ચૂંટણીમાં રૂ. 1.20 લાખ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે ત્યારે બધી જ વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે તો રૂ. 3 લાખ કરોડનો ખર્ચ થઈ શકે છે. સમગ્ર દેશમાં કુલ 4,500 વિધાનસભા બેઠકો છે. દેશમાં કુલ 500 મ્યુનિસાપિલિટી બેઠકો છે અને તેમાં એક સાથે ચૂંટણી પાછળ અંદાજે રૂ. 1 લાખ કરોડનો ખર્ચ થઈ શકે છે. એ જ રીતે જિલ્લા પરિષદો (650 બેઠકો), તાલુકા (7,000 બેઠકો) અને ગ્રામ પંચાયતો (2,50,000 બેઠકો)માં ચૂંટણી યોજવાનો ખર્ચ રૂ. 4.30 લાખ કરોડ થઈ શકે છે. ભાસ્કર રાવે જણાવ્યું કે, ચૂંટણી ખર્ચ ઘટાડવા માટે માત્ર એક સાથે ચૂંટણી યોજવી જ પર્યાપ્ત નથી. પક્ષો ચૂંટણી પ્રચાર અંગે વર્તમાન પદ્ધતિને અનુસરે, ચૂંટણી પેનલ અસરકારક રીતે કામ કરે અને પક્ષો આચારસંહિતાનું ચુસ્તતાપૂર્વક પાલન કરે તો પણ ચૂંટણી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.