તેમને શોધવા માટેની યંત્રણાની માગણી કરતી અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી
બોમ્બે હાઈ કોર્ટમાં એક ચોંકાવનારી જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં માગણી કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર પોલીસ ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન રહસ્યમય રીતે ગાયબ થનારી ૧,૦૦,૦૦૦ મહિલાઓને શોધવાની યંત્રણા બનાવે. મહારાષ્ટ્રમાં યુવતીઓ અને મહિલાઓ ગાયબ થવાના મામલા પોલીસના ચોપડે નોંધાય છે, પણ તેમને શોધવા માટેના કોઈ પ્રયાસ કરવામાં આવતા નથી અથવા કોઈ સિસ્ટમ મહારાષ્ટ્ર પોલીસમાં નથી એટલે એ શરૂ કરવામાં આવે એવી માગણી સાંગલીના ભૂતપૂર્વ સૈનિક શાહજી જગતાપે તેમના વકીલ મારફત બૉમ્બે હાઈ કોર્ટમાં કરી છે.
- Advertisement -
શાહજી જગતાપની ૧૮ વર્ષની કૉલેજના થર્ડ યરમાં ભણી રહેલી પુત્રી ડિસેમ્બર ૨૦૨૧માં અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેમણે સાંગલીના સંજયનગર પોલીસ-સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ લોકો ખોવાઈ જાય છે તેમને શોધવા માટે પૂરતા પ્રયાસ નથી કરતી એટલે પોતાની પુત્રીનો પત્તો નથી લાગ્યો એમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં નોંધવામાં આવ્યું છે. શાહજી જગતાપે મહારાષ્ટ્રમાં કેટલી મહિલાઓ ગાયબ થાય છે એની માહિતી ગૃહવિભાગમાંથી મેળવી હતી. એમાં ૨૦૧૯માં ૩૫,૯૯૦, ૨૦૨૦માં ૩૦,૦૮૯ અને ૨૦૨૧માં ૩૪,૧૬૩ મહિલાઓને પોલીસ શોધી ન શકી હોવાનું જણાયું હતું. પોલીસ આ બાબતને ગંભીરતાથી નથી લેતી. ૨૦૦૨માં સુપ્રીમ કોર્ટે આ બાબતને અત્યંત ગંભીર ગણાવી હતી, પરંતુ જનહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ પ્રશાસન અને અધિકારીઓ આ બાબતે ખૂબ લાપરવા છે.