1 ઓગસ્ટથી તમામ વોર્ડની ઓફીસથી આ કામગીરી શરૂ થશે: પદાધિકારી-અધિકારી, કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1 ઓગસ્ટથી આરોગ્ય ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. ચોમાસાની ઋતુ દરમ્યાન વાહકજન્ય રોગો ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયાને રોગોનું પ્રમાણ વધતું હોય છે. આથી આવા રોગોના નિયંત્રણ માટે સઘન વાહકનિયંત્રણ કામગીરી કરવી આવશ્યક છે. ચોમાસાની ઋતુમાં મચ્છર ઉત્પતિ સ્થાનોમાં વધારો થતો હોય છે આથી સઘન ઝુંબેશ દ્વારા મચ્છર ઉત્પતિ સ્થાનો દૂર કરી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે વન ડે, વન વોર્ડ કાર્યક્રમ દ્વારા આરોગ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરેલ છે.
- Advertisement -
આ વન ડે, વન વોર્ડ ઝુંબેશનો શુભારંભ શહેરના તમામ 18 વોર્ડની મુખ્ય ઓફિસથી 1 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 5દાઘિકારીઓ સહિત તમામ વોર્ડના કોર્પોરેટરો પોતપોતાના લગત વોર્ડમાં રહીને ઝુંબેશનો શુભારંભ કરાવશે. ત્યારબાદ પ્રોગ્રામ મુજબના વોર્ડમાં એક દિવસમાં એક વોર્ડમાં તમામ આરોગ્યની ટીમો મુકીને ટીમ વર્કથી ઝુંબેશ સ્વરૂપે વાહક નિયંત્રણની તમામ કામગીરી કરવામાં આવશે.