રામલલાના નિવાસના નિર્માણ માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી સામગ્રી આવી છે. કારીગર, એન્જીનીયર, મજુર અને કોતરણીના વિશેષજ્ઞથી લઈને નિર્માણના અલગ અલગ પ્રકારો સાથે જોડાયેલા લોકો પણ અલગ અલગ રાજયોનું પ્રતિનિધિત્વ કરે છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં પણ વિવિધતામાં એકતા અને સમરસ્તાનો ભાવ બહાર આવશે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બે કલાકનું વિશેષ ‘મંગલ વાદન’ થશે જેમાં દેશના 90 ટકા રાજયોના વાદ્ય યંત્રોનો ઉપયોગ થશે.
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગ્રાઉન્ડ ફલોર સ્થિત મંદિર પરિસરની બહાર સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વિશેષ મંગલ ધ્વનિ વગાડવામાં આવશે. તેના માટે 25 રાજયોમાં વાદ્ય યંત્ર અને તેને વગાડનારા કલાકારોની પસંદગી થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે આ કલાકારો પોતાની આ સેવાના બદલામાં કોઈ વળતર નહીં લે.
- Advertisement -
આ વાદ્યો ગુંજી ઉઠશે: પ્રાણ પ્રતિષ્ઠામાં યુપીના વાદ્યો વખવાજ, બાંસુરી અને ઢોલક આ ઉપરાંત મહારાષ્ટ્રનું સુંદરી, પંજાબનું અલગોજા ઓરિસ્સાનું મર્દલ, કર્ણાટકની વીણા, મધ્યપ્રદેશનું સંતુર, મણીપુરનું યુંગ, આસામનું નગારા, કાલી, છતીસગઢનું તંબુરા, બિહારનું પખવાજ, દિલ્હીની શહેનાઈ, રાજસ્થાનનું રાવણહથ્થો, પશ્ર્ચિમ બંગાળની શ્રીખોલ, સરોદ, આંધ્રપ્રદેશનું ધામ, ઝારખંડનું સિતાર, ગુજરાતનું સંતાર, તમિલનાડુનું નાગસ્વરમ તવિલ અને મૃદંગમ અને ઉતરાખંડના હુડકા વાદ્યનું વાદન થશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે 150થી વધુ પરંપરાઓના સંતો, મહામંડલેશ્ર્વર મહંત, તાગા સાધુ વગેરે પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. 50થી વધુ આદિવાસી, ગિરિવાસી, તટવાસી, દ્વીપવાસી અને જનજાતીય પરંપરાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. શૈવ, વૈષ્ણવ, શાકત, શિખ, બૌદ્ધ, જૈન, શંકર રામાનંદ, રામાનુજ, ધીસા, ગરીબદાસી, ગૌડિયા, કબીર પંથી, વાલ્મીકી, મહિમા, અકાલી, નિરંકારી, નામધારી બધા પંથોના મુખ્ય ચહેરાઓને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે.
ભેટોથી ભરાઈ રહ્યું છે રામલલાનુ ઘર: પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં યોગદાન આપવા માટે દેશના વિભિન્ન રાજયોમાંથી ભેટ પહોંચાડવાનું કામ ચાલુ છે. વિભિન્ન રાજયોમાંથી જળ, માટી, સોના-ચાંદીના આભુષણ, ઘંટ, નગારા, અતર, વસ્ત્ર સહિત અનેક સામાન પહોંચી ચૂકયા છે. મા જાનકીના પિયર નેપાળ ખાતેના જનકપુર અને સીતામઢીથી 1000 ટોપલીઓમાં અનેક પ્રકારના સામાન આવ્યા છે તેને જમાઈની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિશેષ ભેટ તરીકે મોકલવામાં આવ્યા છે.
- Advertisement -
જૂની પ્રતિમા પણ રહેશે: રામલલાની જે પ્રતિમાનું છેલ્લા 7 દાયકાથી પૂજન થઈ રહ્યું છે તેને પણ મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં જ સ્થાપિત કરવામાં આવશે અને તેને રોજ પૂજન થશે.