દેશમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી પ્રાર્થના : ડીસીપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે આસુરી શક્તિ ઉપર સુરી શક્તિનો વિજય એટલે વિજયાદશમી આ પર્વ નિમિતે ધર્મની રક્ષા કાજે ઉપયોગમાં લેવામાં હથિયારો એટલે કે શસ્ત્રોનું વિધિ વિધાન મુજબ પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાટર ખાતે પણ પોલીસ દળમાં ઉપયોગમાં લેવાતા હથિયારોનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું આ તકે દેશભરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી ડીસીપીએ પ્રાર્થના કરી હતી.
રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાટર ખાતે ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ડીસીપી, એસીપી શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો પોલીસ હેડ ક્વાટર ખાતે રાખવામાં આવેલા વર્ષો જુના શસ્ત્રો તેમજ હાલ ફરજ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ શસ્ત્રોનું વિધિ વિધાન મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ તકે ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાએ આ પવિત્ર પર્વ વિજયાદશમીની સૌ શહેરીજનોને મંગલમય શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું સાથોસાથ આજના દિવસે રાજકોટ શહેર જ નહિ પરંતુ દેશભરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી પ્રાર્થના પણ કરી હતી.