17મી એપ્રિલ સુધી હોસ્પિટલોમાં કુપોષણથી 12 વર્ષથી ઓછી વયનાં 28 બાળકોનાં મોત થયાં
ખાસ-ખબર ન્યૂઝ ગાઝા, તા.24
- Advertisement -
ઇઝરાયલ પર હમાસના આતંકી હુમલાને મંગળવારના દિવસે 200 દિવસ પૂર્ણ થઇ ગયા છે. ગાઝાના 23 લાખ પેલેસ્ટિનિયન નાગરિકોને ઇઝરાયલી નાકાબંધી અને સૈન્ય હુમલાની વચ્ચે દરરોજ બે ટંક ભોજન માટે પણ સંઘર્ષ કરવાની ફરજ પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ગાઝામાં મેમાં ભૂખમરાનું સંકટ તોળાઇ રહ્યું છે. ગાઝામાં સૌથી ખરાબ સ્થિતિ એ બાળકોની છે જે બાળકોએ યુદ્ધની વચ્ચે જન્મ લીધો છે.
17મી એપ્રિલ સુધી હોસ્પિટલોમાં કુપોષણથી 12 વર્ષથી ઓછી વયનાં 28 બાળકોનાં મોત થયાં હતાં. 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલામાં 1200 ઈઝરાયલી લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 8 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. હમાસના આતંકવાદીઓએ 244 લોકોને બંધક પણ બનાવ્યા હતા, જેમાંથી 100થી વધુ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે 129થી વધુ લોકો છેલ્લા 200 દિવસથી હમાસની કસ્ટડીમાં છે. તાજેતરમાં અમેરિકાએ ઈઝરાયલની કટ્ટરપંથી બ્રિગેડ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
દર કલાકે 15 લોકોનાં મોત થઇ રહ્યાં છે, જેમાં 6 બાળકો સામેલ
- Advertisement -
ઈઝરાયલના હુમલામાં 34,637 પેલેસ્ટાઈનનાં મોત થયાં છે જ્યારે 77 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં સૌથી વધુ 14,500 બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય 8 હજારથી વધુ લોકો ગુમ છે. એટલે કે 6 બાળકો સહિત દર કલાકે 15 લોકોનાં મોત થઈ રહ્યાં છે. ઈઝરાયલના હુમલામાં ગાઝાનાં અડધાથી વધુ ઘરો, 80% કોમર્શિયલ ઈમારતો, 90% શાળાની ઈમારતો અને 267 ધાર્મિક સ્થળો નાશ પામ્યાં છે.