કાર્તિક મહેતા
ગયા વખતે આપણે જોયું કે બીટકોઈન (કે એના જેવી ક્રિપ્ટો કરન્સીઝ) કેવી રીતે અસ્તિત્વમાં આવી. આ બધી ક્રિપ્ટો કરન્સીઝની સંખ્યા આજની તારીખે 20000 (વીસેક હજાર) આસપાસ છે પણ પણ મોટાભાગની ખાસ ’એક્ટિવ’ નથી.
- Advertisement -
સાતોશી નાકામોટો જેવું છમ્ભ નામ ધરાવતા માણસે અથવા તો લોકોના સમૂહે એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યો જેને આધારે આ બીટકોઈન અને બીજી બધી ક્રિપ્ટો કરન્સીઝ ચાલે છે.
બીટકોઈન કેવું વાવાઝોડું છે એની સાબિતી ત્યાં મળી જાય કે ચીને બીટકોઈન કે અન્ય કરન્સીના ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મુકેલો છે પરંતુ સામે ચીન પોતે ક્રિપ્ટો કરન્સીની ટેક્નોલોજી ઉપર ખુબ કામ કરી રહ્યું છે. આજનો યુગ ફિયાટ કરન્સીનો યુગ છે , ફિયાટ કરન્સી એટલે એવું ચલણ જેનું ખરેખર કોઈ મૂલ્ય હોય નહિ. માત્ર વિશ્વાસને જોરે જ તે ચાલતી હોય. લગભગ 1976 આસપાસ અમેરિકાએ જ્યારે ડોલર સામે સોનુ મુકવાનું અને ચૂકવવાનું બંધ કર્યું ત્યારબાદ મોટાભાગના દેશોએ એનું અનુકરણ કરીને પોતાની કરન્સીને ફિયાટ કરન્સી બનાવી દીધી એટલે કે રૂપિયા સામે સોનુ મુકવાનું બંધ કર્યું. આમ, રૂપિયા કે ડોલરની વેલ્યુ હવે સરકાર ઉપરના લોકોના વિશ્વાસને આધારે હતી. આમ, રૂપિયા સહીત મોટાભાગની કરન્સી હવે ફિયાટ છે.
બીટકોઈન પણ ફિયાટ કરન્સી છે. બિટકોઈનનો જન્મ એ જ સિદ્ધાંતે થયો કે જો ચલણી નાણું માત્ર વિશ્વાસને જોરે ચાલતું હોય તો પછી પબ્લિક પોતે જ એવું કોઈ નાણું બનાવે અને એમાં લેવડ દેવડ કરે. આમ, બીટકોઈન કે એના જેવી બીજી બધી ક્રિપ્ટો કરન્સીઝ સરકારનો છેદ ઉડાડી દે છે. આથી આ ક્રિપ્ટો કરંસીએ સરકારોની નીંદર હરામ કરી નાખી છે. કેમકે જો લોકો ક્રિપ્ટો થી સોદા કરવા લાગે તો સરકારને કરવેરો ક્યાંથી મળે? સરકાર કમાય શું? પરંતુ આ બાબતનું એક ડાર્ક પાસું લગભગ 2013 આસપાસ છાપે ચડેલું જેમાં બીટકોઈન દ્વારા નશીલા દ્રવ્યોના સોદાનું મોટું કૌભાંડ બહાર આવેલું. જોકે ચલણી નાણાંથી પણ કે ગોલ્ડ વગેરેથી પણ આવા કામ થઇ શકે છે અને થાય પણ છે. પરંતુ બીટકોઈનની ખૂબી એ છે કે એમાં એક ’લેજર’ એટલે કે ખાતાવહી મેન્ટેન થાય છે જે બધા માટે ખુલ્લી હોય છે. આથી બીટકોઈનની પાઈ પાઈ નો હિસાબ આરામથી ટ્રેસ થઇ શકે છે. એમાં ટોટલ પારદર્શિતા છે.
ટોટલ બીટકોઈનની સંખ્યા ફિક્સ છે. બીટકોઈનના રિસર્ચ પેપર અનુસાર કુલ 2 કરોડ બીટકોઈન જ બની શકે છે. એનાથી વધારે બીટકોઈન સંભવ નથી.આથી એકવાર બીટકોઈન ચલણમાં આવ્યો એટલે કે એનો દડો કોઈએ અધ્ધર ઉછાળ્યો પછી એ દડો નીચે પડે એ ટેક્નીકલી સંભવ નથી. જ્યાં સુધી બીટકોઈન ઉપર લોકોની શ્રદ્ધા રહેશે ત્યાં સુધી બીટકોઈનની વેલ્યુ વધતી રહેશે. કેમકે નાણાંનું અવમૂલ્યન અર્થશાસ્ત્રનો બેઝિક નિયમ છે. અવમૂલ્યન ફુગાવાને લીધે થાય અને ફુગાવો વિકાસને લીધે. વિકાસ જોતો હોય તો ફુગાવો અને નાણાંનું અવમૂલ્યન બેય સહન કરવા પડે. વળી જો ફુગાવો ના હોય તો લોકો નાણાંને સંઘરી રાખે જે બાબત પણ ’વિકાસ’ ને અવરોધતી બાબત છે જેથી નાણાં સતત ફરતા રહેવા જોઈએ. એને ફરતા રાખવા માટે પણ જરૂરી છે કે નાણાંનું મૂલ્ય સતત ધોવાતું જાય. બિટકોઈનમાં ઊંધું છે , એની સંખ્યા લિમિટેડ છે એટલે એની વેલ્યુ ઘસાવાને બદલે સતત વધતી રહેશે. આ બાબત બીટકોઈનને રાજકીય બનાવે છે.બીટકોઈન નો જો સર્વત્ર સ્વીકાર થાય તો એની અસરો શું થાય તે બહુ રસપ્રદ વિષય છે.
- Advertisement -
બીટકોઈનની કુલ સંખ્યા બે કરોડ પૈકી લગભગ 1.9 કરોડ બીટકોઈન માઇન થઇ ચુક્યા છે. બીટકોઈન મેળવા માટે માઇનિંગ નામની એક પ્રક્રિયા કરવી પડે છે જે શક્તિશાળી કમ્પ્યુટરની મદદથી કરી શકાય છે. અમેરિકામાં બિટકોઈનું વાવાઝોડું આવ્યું ત્યારે લોકોએ પોતાની જમીનોમાં અનેક સોલાર પાવર્ડ કમ્પ્યુટર સર્વર નાખીને બીટકોઈન “પેદા” કરવા માટે માઇનિંગ ફામ્ર્સ બનાવ્યા હતા. જેમ આપણે ત્યાં સરકારની ઉર્જા નીતિથી પ્રેરાઈને ખેડૂતો એ ખેતરોમાં સોલાર પેનલો ના ફાર્મ બનાવેલા એમ અમેરિકામાં બીટકોઈન માઇન કરવા માટે આવા અનેક માઇનિંગ ફાર્મ બનવા લાગ્યા. બીટકોઈનના ગણિત અનુસાર બીટકોઈન પેદા કરવાની આ માઇનિંગ પ્રક્રિયા ખરેખર એક ગણિતીય કોયડાને ઉકેલવાની ક્રિયા હોય છે જેમાં કમ્પ્યુટરની કમ્પ્યુટિંગ કેપેસીટી વપરાય છે. પરંતુ આ માઇનિંગ પ્રક્રિયા દિવસે દિવસે સતત અઘરીને અઘરી બનતી જાય એવી ગોઠવણ કરવામાં આવેલ છે. દરેક બીટકોઈન એના આગળના બીટકોઈન કરતા મેળવવો દુષ્કર બને છે. આવું એટલા માટે થાય છે કે કમ્પ્યુટરે અગાઉના બધા બીટકોઈનની પઝલને સોલ્વ કરવી પડે છે.
સરળ રીતે સમજવા માટે એક ઉદ્ધારણ આપીને પુર્ણાહુતી કરીએ:
ધારોકે તમે એક હોટેલમાં નજરકેદ છો. તમને કોઈ સાથે મળવાની અનુમતિ નથી. તમારી જેમ હોટેલમાં અનેક કેદીઓ છે. તમામ કેદીઓને રૂમમાં જમવા વગેરે બધું જરૂરિયાત મળી જાય છે પણ એકબીજા સાથે મળવાનું સૌભાગ્ય નથી. હવે એકવાર તમે એવું કરો છો કે તમને જે ટ્રોલી પર લન્ચ આપવામાં આવ્યું એમાં કપડાં નીચે એક ચિઠ્ઠી નાખી દો છો કે “કોઈ છે?” . એકાદ બે દિવસ બાદ તમે એ જ ટ્રોલીમાં નીચે તમારી ચિઠ્ઠી જુઓ છો જેમાં નીચે “હા” એવો જવાબ લખેલો હોય છે. હવે તમે વાર્તાલાપ શરુ કરો છો. પણ આ વાર્તાલાપ કોઈને ધ્યાને આવે નહિ એની માટે તમે સંદેશાને એક કોયડામાં મિક્સ કરી નાખો છો. લોકો આ ચિઠ્ઠી જુએ છે અને પઝલ સોલ્વ કરીને તમને પ્રતિભાવ આપે છે. સમય જતા આ ચિઠ્ઠીઓમાં વધુને વધુ પઝલ તમે ઉમેરો છો પણ સાથે સાથે એમાં સંદેશાઓ પણ નાખતા જાવ છો.
આ હોટેલ એટલે ઇન્ટરનેટ છે, આ ચિઠઠીની હારમાળા એટલે બ્લોકચેઇન છે જેમાં અનેક પઝલ્સ દરેકે સોલ્વ કરવાની રહે છે.
તો વાત ત્યાં છે કે આ પઝલ લખવા વાળા એટલે કે તમે જ નક્કી કરશો કે હોટેલની અંદરથી ક્યારે અને કેમ બહાર નીકળવું.
બિટકોઈનમાં આ નક્કી કરવા વાળો કોણ છે એની ખબર નથી એ એને જરા શન્કાસ્પદ બનાવે છે.