હે મનુષ્ય ! જો તું કોઈ એક જ કાર્ય દ્વારા આખા જગતને પોતાના કાબૂમાં કરવાની ઇચ્છા ધરાવતો હો, તો બીજાની નિંદા કરનારી પોતાની વાણીને કાબૂમાં રાખ.
કથામૃત: એક યુવાનને પોતાના પડોશમાં રહેતા એક ભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ. આ યુવાન પેલા ભાઈને હવે પોતાના દુશ્મનની નજરથી જ જોતો હતો અને હંમેશા કોઈ એવી તકની રાહ જોતો કે જેનો લાભ લઈને એ ભાઈને સમાજમાં ઉતારી પાડી શકાય. એક વખત એને કોઈએ એની પડોશમાં રહેતા આ ભાઈના ચારિત્ર્ય વિષે વાત કરી અને કોઈપણ જાતની તપાસ વગર આ યુવાને પોતાના પડોશી ચારિત્ર્યહિન છે, એ વાત વાયુવેગે બધે જ પ્રસરાવી દીધી. પડોશીભાઈની કોઈ સામાન્ય બાબતમાં ધરપકડ થયેલી હતી, અને હવે તો ન્યાયાલય દ્વારા એને નિર્દોષ સાબિત પણ કરી દેવામાં આવ્યા. એ ભાઈ જ્યારે ઘેર આવ્યા ત્યારે આ પડોશીએ એની ઇજ્જતના કાંકરા કરી નાખ્યા હતાં. આથી બધાં લોકો આ નિર્દોષ માણસને પણ ગુનેગારની દૃષ્ટિએ જોવા લાગ્યા.
- Advertisement -
આ ભાઈએ ખોટી અફવાઓ ફેલાવીને પોતાને બદનામ કરનાર યુવાન પર ન્યાયાલયમાં માનહાનિનો દાવો દાખલ કર્યો. આ બાબતનો કેસ ચાલ્યો ત્યારે ન્યાયાધિશે યુવાનને પૂછ્યું, ભાઈ, તમે આ ભાઈના ચારિત્ર્ય વિષે ખોટી અફવાઓ ઉડાડી હતી એ વાત સાચી છે ? યુવાને કહ્યું, હા જજ સાહેબ, વાત સાચી છે પણ એમાં મારો કોઈ વાંક નથી. મેં તો માત્ર જે વાત સાંભળી હતી, એ જ વાત બધે કરી હતી. સમાજમાં એની પ્રતિષ્ઠા ખરડાઈ હોય, તો એ માટે કંઈ હું જવાબદાર નથી. ન્યાયાધિશે આ યુવાનને એક કાગળ આપીને કહ્યું, તેં જે કંઈ પણ વાત આ મહાશય વિષે સાંભળી હતી તે આ કાગળમાં લખ. પેલા યુવાને કાગળમાં લખાણ કર્યું એટલે જજ સાહેબે એ લખાણવાળા કાગળના નાના નાના ટુકડાઓ કરીને પછી યુવાનને પાછા આપતા કહ્યું, આ કેસનો ચુકાદો હું કાલે આપીશ. પણ આજે જ્યારે તમે તમારા ઘેર જાવ ત્યારે રસ્તામાં થોડા થોડા અંતરે આ કાગળના ટુકડાઓ મૂકતા જશો. બીજા દિવસે જ્યારે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ત્યારે જજ સાહેબે પેલા યુવાનને કહ્યું, ભાઈ, મેં કાલે તમને રસ્તામાં જુદી જુદી જગ્યાએ મૂકવા માટે કાગળના ટુકડાઓ આપ્યા હતાં. એ ટુકડાઓ મને પાછા લાવી આપો. મારે ચુકાદો આપવા માટે એની જરૂર છે. યુવાન આ વાત સાંભળીને હસવા લાગ્યો અને જજને કહ્યું, સાહેબ, આપ પણ કેવી ગાંડા જેવી વાત કરો છો. એ કાગળના ટુકડા તો અત્યાર સુધીમાં કયાંયના ક્યાંય જતા રહ્યા હશે. પવન ન જાણે એને ક્યાં ક્યાં લઈ ગયો હશે ! એ પાછા લાવવા શક્ય જ નથી.
આપણે ઘણી વખત વાતની સચ્ચાઈની ખાતરી કર્યા વગર કોઈના વિષે કોઈ પ્રકારનો દોષરોપણ કરીએ છીએ. અરે ! ઘણીવાર તો સાવ મજાકમાં કોઈના વિષે અમુક પ્રકારની વાતો કરીએ છીએ ત્યારે એ વિચારતા જ નથી કે આપણી આ વાતો ઊડીને ન જાણે ક્યાંની ક્યાં પહોંચશે અને પેલા માણસને કેટલું મોટું નુકસાન કરશે. હવે પછી કોઈના વિષે ખરાબ બોલતા પહેલા સાડી સત્તરવાર વિચાર કરજો.
અનુભવામૃત: શબ્દો મારી પણ શકે અને તારી પણ શકે. તમારા શબ્દો કાળજીથી પસંદ કરો.
-રોબિન શર્મા