પૂજય બાપુ
વ્હાલી જિંદગી,
પળે પળ તને જીવવાની ઝંખના વધુ પ્રબળ બની મને તારામાં તરબોળ રાખે છે. હું તને એટલાં માટે ભરપૂર ચાહું છું કારણ કે તું મારાથી ન જીવાયેલા અને ના જોવાયેલા સપનાની ગલી છે. વારે વારે એ ગલીમાંથી પસાર થવું અને સપનાને સાચા પાડવાની મથામણમાં તારા થઈને રહેવું એ એકમાત્ર ઉદ્દેશ છે. ગમતાં લીલાછમ ઝાડના દરેક પાન પાનખરમાં ખરી પડે ત્યારે અણસમજુ બહું વ્યથિત થઈ જાય, જ્યારે નિયતિને સમજનાર વસંતની રાહમાં યજ્ઞ કરવા પ્રવૃત્ત થાય. હું તો ક્ષણે ક્ષણ તારો ઉત્સવ મનાવવા જીવી રહ્યો છું. અહોભાવ વ્યક્ત કરવા હું પ્રેમની કવિતા લખું છું. પછી ભાન થાય છે કે પ્રેમ એ પ્રગટ કરવા કરતાં ગુપ્ત રાખવાનો પદારથ છે. ભજનની કોઈ ધ્રુવપંક્તિમાં, કિર્તનના એકાદા ઢાળમાં, રામજીમંદિરે વાગતી ઝાલરનાં રણકારમાં મને તું મળી આવે છે. હું જ્યારે જ્યારે પૂર્ણ શ્રદ્ધાવાન થઈ તારી પાસે આવ્યો છું ત્યારે કયારેય નિરાશ નથી થયો. જિંદગી! તેં હમેશા મને લાયકાતથી બમણું આપ્યું છે એ પણ તારો મારા પર મોટો ઉપકાર છે. ગોરંભાયેલું આકાશ ધરતીપુત્રો માટે આશ્વાસન બની રહે એમ તારી આંખોમાં છલકાઈ બહાર આવવા મથતો વહાલનો વરસાદ મને જીવાડે છે.
- Advertisement -
તારી આંખોના ઊંડાણમાં બેસી રહેલાં વિસ્મયને હ્રદયની દોરી વડે બાંધી ફરીથી પ્રફુલ્લિત કરવું છે. આપણે ભેળાં થયાં એ પ્રેમરાગ, વિતરાગ, વેરાગનો ત્રિવેણીસંગમ છે, જ્યાં પતંગિયા છે… આવતીકાલનો ઉચાટ છે… શરીરથી પર – મન જીતવાના અભરખા છે… તું મારાં જીવતરની કોરી પાટીમાં ના દેખાતા અક્ષરોનું ઉજમાળું ભાવિ છે. સ્વપ્નપ્રદેશના સોનેરી ઢાળ પર તું ફેલાયેલી પડી છે. એ ઢાળ પર હું ગબડતો ગબડતો છેક તારી ભીતર ઉતરી જાઉં છું ત્યારે મારું તારામાં હોવું અને તારું મારામાં હોવું એ માંગલિક પ્રસંગ જેવું લાગે છે. મારાં હૃદયમાં ફક્ત જિંદગી માટે ધોધમાર પ્રેમ છે… અગણિત લાગણીઓના ઉમળકા છે… આંખોમાં ભરપૂર શ્રદ્ધા છે… મસ્તક પર તને સમર્પિત થઈ જવાની ભાવના છે અને શરીરની રગ રગમાં તારા હોવાની એક દિવ્યાનુભૂતિ છે. તું આકાશમાં ખીલેલાં પૂર્ણચંદ્રની ચાંદની છે. તું મારાં મનોરાજયની સામ્રાજ્ઞી છે. તું મારાં અસ્તિત્વના ચંદ્રની આજુબાજુ ટમટમતાં તારોડિયાંની બાળસહજ કાલીઘેલી ભાષા છે. તું જયારે વહાલથી કાલીઘેલી ભાષામાં વાતો કરે છે ત્યારે મારી અંદરના સાવ નાનકડા બાળકને સૃષ્ટિ સૌંદર્ય નજરે ચડે છે. હું મારું બઘું જ કુતૂહલ તારી આંખોમાં આંજેલા કાજળ સાથે ઓગાળી એમાં ડૂબી જાઉં છું… તારી છાતીમાં બેઠેલાં મોર સાથે હોઠ ભરાવી સૂરીલી મોરલી વગાડું છું… તારા માથા પર હાથ ફેરવી મારાં દિલની સઘળી હકીકત તારામાં રોપી દઉં છું… આટલું બધું સુખ મને તારી વહાલપની શ્રાવણી ઝડી જેવું લાગે છે. હું તારામાં ધોધમાર જીવું છું અને અનરાધાર ભીંજાઉં છું. તારા પ્રેમની છોળ નખશિખ અનુભવું છું… સતત જીવું છું…
તને અત્યંત ચાહતો…
જીવ.
(શીર્ષકપંક્તિ:- વિકી ત્રિવેદી)