જમીન માપણીના કામમાં લાંબી પ્રોસેસ, ફાઇલોના ચક્કર અને મંજૂરી માટેની રાહનો અંત
મહિનાઓ સુધી રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ, ફરિયાદોનો વધારો થવાથી સરકારનો નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
જમીન માપણીના કામમાં લાંબી પ્રોસેસ, ફાઇલોના ચક્કર અને રાજ્યકક્ષાની મંજૂરી માટેની રાહનો અંત લાવવા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ જારી કરવાની સત્તા સીધા જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે. 4 ડિસેમ્બર 2025થી લાગુ થતી આ નવી પદ્ધતિ જમીન માપણીને જિલ્લા સ્તરે વધુ ઝડપી અને જવાબદાર બનાવશે. અત્યાર સુધીની વ્યવસ્થામાં અરજી સેટલમેન્ટ કમિશનર સુધી જતાં વિલંબ થતો, જેના કારણે નાગરિકોને જમીન માપણી માટે મહીનાઓ રાહ જોવી પડતી હતી. માગણી વધવા અને ફરિયાદોમાં વધારો થવાથી સરકારને આખી સિસ્ટમનું “ડિસેન્ટ્રલાઇઝેશન” કરવાની જરૂર પડી. નવો ઠરાવ કલેક્ટરની ભૂમિકા માત્ર લાયસન્સ ઇસ્યુ કરવા સુધી મર્યાદિત નથી રાખતો. હવે જિલ્લાકક્ષાએ સર્વેયરની સંપૂર્ણ પ્રોફાઇલ વેરિફિકેશન, લાયકાત ચકાસણી, ફી નક્કી કરવી, કેસ ફાળવવા, તેમજ તેમની કામગીરી પર નજર રાખવાની જવાબદારી પણ હશે. એટલે કે, સર્વેયરનું સંપૂર્ણ મોનિટરીંગ હવે કલેક્ટર કચેરી હેઠળ આવશે.
મહેસૂલ વિભાગના સૂત્રો માને છે કે આ બદલાવથી “લોકલ લેવલ ડિસિઝન” ઝડપથી થશે અને માપણીના પેન્ડિંગ કેસોમાં મોટો ઘટાડો થશે. જિલ્લા તંત્રને હવે તેમની જરૂરિયાત અને કેસના ભાર પ્રમાણે સર્વેયરો ફાળવવાની છૂટ મળશે, જે માપણી કામમાં ઝડપ લાવશે. ભ્રષ્ટાચાર અટકાવવા નવા નિયમો હેઠળ પોલીસ વેરિફિકેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. દરેક લાયસન્સનો ડિજિટલ રેકોર્ડ પણ કલેક્ટર જાળવશે અને સમયાંતરે રાજ્યને રિપોર્ટ મોકલશે. રાજ્યભરમાં નવી વ્યવસ્થા અમલમાં મૂકવા માટે તમામ જિલ્લાઓએ માર્ગદર્શિકા અને રજિસ્ટરો તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. સરકારનું માનવું છે કે કેન્દ્રિયકરણથી દૂર જઈ જિલ્લાકક્ષાએ સત્તા આપવાથી નાગરિકોને “સ્થાનિક સ્તરે” જ ઝડપી સેવા મળશે.



