અંધાપાકાંડ બાદ સરકારની આંખ ખુલી
પહેલાં 50થી વધુ બેડવાળી હોસ્પિટલનું જ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ માંડલના રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ કુલ 29 જેટલા મોતિયાના દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી ઓપરેશન બાદ 17 જેટલા લોકોને આંખની દ્રષ્ટિ ઓછી થતા 5 લોકો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે 12 જેટલા લોકો રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. આ કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. જેની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ પહેલા 50થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલે આ કાયદા અંતર્ગત રજિસ્ટ્રેશન જરૂરી હતું. જોકે, સરકાર હવે તેમાં સુધાર કરીને જે પણ હોસ્પિટલ જેટલા પણ બેડ ધરાવતી હોય તેનું આ કાયદા અંતર્ગત રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવા જઈ રહી છે. જેથી કરીને આ કાયદાના તમામ નીતિ નિયમો તે હોસ્પિટલને લાગુ પડશે.
10 દિવસમાં 74 વ્યક્તિના મોતિયાના ઓપરેશન કરાયા હતા
આ અંધાપાકાંડમાં કુલ 29 લોકોમાંથી 9 લોકો અમદાવાદ જિલ્લાના, 12 સુરેન્દ્રનગર જિલ્લાના અને 8 પાટણ જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું. અસારવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેશન બાદ આંખોમાં નાખવાના ટીપાથી ચેપ લાગ્યો હોવાનું લાગી રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં કુલ 74 વ્યક્તિઓએ આંખનું ઓપરેશન કરાવ્યું હતું. તેમનો પણ સંપર્ક સાધવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.