અકસ્માત બાદ સફાળી જાગેલી RMCની વિચારણા : કેપેસિટી કરતા વધુ મુસાફરો નહીં બેસાડાય
ઘોડા છૂટી ગયા પછી તબેલામાં તાળાં મારવા જેવો ઘાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટનાં ઇન્દિરા સર્કલ પાસે તાજેતરમાં સર્જાયેલા અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ડ્રાઇવર પોતે બ્રેક મારી હોવા છતાં નહીં લાગ્યાનું રટણ કરે છે. જ્યારે આરટીઓની તપાસમાં બ્રેકમાં કોઈ ખામી નહીં હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે. ત્યારે આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે મનપા તંત્ર પણ સતર્ક બન્યું છે અને વિવિધ પગલાંઓ લેવા વિચારણા હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ બાદ રાજકોટની સિટિબસોમાં ચાલકો ઉપર કેમેરા લગાવીને ડ્રાઈવરો ઉપર નજર રાખવા વિચારણા ચાલી રહી છે. તેમજ સિટીબસોમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો નહીં બેસાડી સમયાંતરે તેનું ચેકીંગ પણ કરવામાં આવનાર છે. જોકે છેલ્લા 3 વર્ષથી રાજકોટની સિટિબસ સેવાને ત્રણ વર્ષમાં રૂ. 65 કરોડ જેટલી ખોટ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ગત 16 એપ્રિલને બુધવારના રોજ ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ ખુલતા જ પુરપાટ ઝડપે આવેલી સિટીબસે હડફેટે લેતા 4 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. બાદમાં ડ્રાઇવરને લોકોએ ઢોર માર મારતા તેને સારવાર માટે ખસેડાયો હતો. હાલ ડ્રાઇવર સ્વસ્થ થતા પોલીસે તેની ધરપકડ કરી છે. અને પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં ડ્રાઇવરે પોતે બ્રેક મારવાનો પ્રયાસ કર્યા છતાં બ્રેક ન લાગયાનું રટણ કરાયું છે. જોકે બનાવના દિવસે જ આરટીઓની તપાસમાં આ બસની બ્રેકમાં કોઈ વાંધો નહીં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને હવે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ થઈ રહી છે. સમગ્ર બનાવને લઈને મનપા તંત્ર પણ સતર્ક બન્યું છે. અને ફરીવાર આવી દુર્ઘટના ન બને તે માટે પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી સમયમાં ડ્રાઇવર ઉપર નજર રાખવા માટે ખાસ કેમેરા લગાવવાની વિચારણા ચાલી રહી હોવાનું મેયર નયના પેઢાડીયાએ જણાવ્યું હતું. તેમજ આવી દુર્ઘટનાઓમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરવાનું કારણ પણ હોઈ શકે તેમ છે. જેને લઈને હવેથી બસની સીટીંગ કેપેસિટી કરતા માત્ર 8-10 મુસાફરો વધુ ભરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ મનપાની ટીમો દ્વારા સમયાંતરે આ માટેનું ચેકીંગ પણ કરવામાં આવનાર હોવાનું મેયરે જણાવ્યું હતું. જોકે રાજકોટની સિટીબસ સેવા છેલ્લા 3 વર્ષથી ખોટમાં ચાલતી હોવાનું સામે આવ્યું છે. મેયર નયના પેઢડીયાનાં જણાવ્યા મુજબ લોકોને સારી સુવિધા આપવા માટે સિટિબસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં નફો કમાવાનો કોઈ ઉદ્દેશ પહેલાથી રખાયો નથી. મનપાની રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા ચાલતી સિટીબસોમાં વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો તેમજ મહિલાઓ વધુ મુસાફરી કરે છે. આ પૈકી વિદ્યાર્થીઓને ખાસ કંસેશન પાસ કાઢી આપવામાં આવે છે. સિનિયર સિટીઝનો માટે મુસાફરી તદ્દન ફ્રી હોય છે. જેના કારણે આ સેવા હાલ તો ખોટમાં ચાલી રહી છે. જેમાં ગત વર્ષે રૂ. 28.38 કરોડની ખોટ ગઈ છે. આ પહેલા 2023-24 વર્ષમાં રૂ. 20 કરોડ અને વર્ષ 2022-23માં રૂ. 17 કરોડ જેટલી ખોટ ગઈ છે. જે મનપા અને સરકાર દ્વારા જ ભરપાઈ કરવામાં આવે છે.
સિટી બસ સેવામાં કુલ 224 બસનો કાફલો
રાજકોટમાં હાલમાં કુલ 224 બસો ચાલે છે. જેમાં 100 CNG બસો શહેરના જુદા-જુદા વિસ્તારમાં અને 124 ઇલેક્ટ્રીક બસો બીઆરટીએસ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. જેના દ્વારા કુલ 80 જેટલા રૂટ પર સાવ નજીવા ભાડામાં સિટીબસો દોડાવવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાભ લે છે. સિટિબસ સેવા નહીં નફો અને નહીં નુકસાનનાં ધોરણે ચલાવવાનો પહેલાથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે તેમાં છેલ્લા ત્રણ વર્ષથી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં લોકોની સુવિધા માટે સિટિબસ સેવા ચાલુ રાખવામાં આવી છે.
- Advertisement -
હાલ કોઈપણ જૂની ડીઝલ બસો ચાલતી નથી
રાજકોટમાં હાલ કોઈપણ જૂની ડીઝલ બસો ચાલતી નથી. તમામ બસો એકદમ નવી ઇલેક્ટ્રીક અને ઈગૠ દ્વારા ચાલતી બસો છે. જેમાં બીઆરટીએસ રૂટ ઉપર મુસાફરોની સંખ્યા વધુ હોવાથી તેના બસ સ્ટેશનોમાં પણ કુલર મુકવામાં આવ્યા છે. તેમજ બસની અંદર પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. અને લોકોને સારામાં સારી સુવિધા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ડ્રાઈવર બેદરકારીથી બસ ચાલવતો માલૂમ પડે તો 155304 પર ફરિયાદ કરવા અપીલ
રાજકોટ શહેરમાં ચાલતી કુલ 224 બસમાં હાલ 278 ડ્રાઇવર અને 240 કંડકટર ફરજ બજાવે છે. આ પૈકી ડ્રાઇવર માટે માટે 8 પાસ તેમજ હેવી લાયસન્સ હોવું ફરજીયાત હોય છે. ડ્રાઇવર દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવતી હોય તો 155304 ઉપર ફોન કરવા લોકોને પણ અપીલ કરવામાં આવે છે. ત્યારે આવી કોઈપણ બાબત સામે આવે તો તંત્રને જાણ કરવાની અપીલ પણ મેયરે કરી છે.
5 મહિનામાં 3 અકસ્માતમાં 6 લોકોનાં મોત
રાજકોટમાં સિટીબસો પુરપાટ ઝડપે ચાલતી હોવાની અનેક ફરિયાદો અગાઉ પણ સામે આવી ચૂકી છે. જેમાં 5 મહિનામાં ત્રણ જેટલા મોટા અકસ્માત સર્જાઈ ચુક્યા છે. એટલું જ નહીં આ અકસ્માતોમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.