પરીક્ષા કેન્દ્રોના બહાર 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રીત થવા પર પ્રતિબંધ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ 10થી 14 જુલાઈ દરમિયાન ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા લેવાનાર છે. જેમાં ધો.12ની પરીક્ષા 23 કેન્દ્રો ખાતે તા.10થી 14 સુધી સવારે 10 કલાકથી બપોરે 1:15 સુધી તથા બપોરે 3 કલાકથી 6:15 સુધી લેવાશે. તેમજ ધો.-10ની પરીક્ષા 12 કેન્દ્રો ખાતે તા.10થી 13 સુધી સવારે 10:30 કલાકથી બપોરે 2 વાયા સુધી તથા બપોરે 3 કલાકથી સાંજે 6:30 સુધી જુદા-જુદા 35 કેન્દ્રોમાં યોજાનાર છે.
- Advertisement -
પરીક્ષાર્થીઓ પરીક્ષા કોઇપણ જાતની ખલેલ વિના શાંતપૂર્ણ વાતાવરણમાં આપી શકે, તે હેતુસર રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધાત્મક આદેશો અપાયા છે. પોલીસ કમિશનરનાં જાહેરનામામાં જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુ 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં.
તેમજ આ વિસ્તારમાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખવાની અને વાહનો લાવવા કે લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો સાથે પરીક્ષાર્થીઓ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનિક સાધનો તેમજ પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકશે નહીં.