અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં આયોજિત ટી-20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ટીમની હાલત ખરાબ દેખાઈ રહી છે. બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમ તેની શરૂઆતની બંને મેચ હારી ચૂકી છે. જોકે, તેણે કેનેડા સામેની ત્રીજી મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આમ છતાં પાકિસ્તાન સામે સુપર-8 માટે ક્વોલિફાય થવાનો પડકાર છે. જો કે, માત્ર પાકિસ્તાન જ નહીં, તેના સિવાય ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ પર પણ T-20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાનુ જોખમ તોળાઈ રહ્યું છે.
સાઉથ આફ્રિકા સુપર-8માં પ્રવેશી: સાઉથ આફ્રિકાની ટીમ 12 જૂને સુપર 8 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. જ્યારે બીજી ટીમ ઓસ્ટ્રેલિયા હતી. જો ભારત આજે (12 જૂન) અમેરિકાને હરાવશે, તો તેને પણ સુપર 8ની ટિકિટ મળશે.
- Advertisement -
પાકિસ્તાન માટે સુપર-8નો મુશ્કેલ પડકાર: પ્રથમ મેચમાં અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં કારમી હાર આપી હતી. બીજી મેચ 9 જૂને ભારત સામે રમી હતી, જેમાં પાકિસ્તાનની ટીમ 120 રનના લક્ષ્ય સામે 6 રનથી હારી હતી. જોકે, ત્રીજી મેચમાં કેનેડાને હરાવીને આશાઓ જાળવી રાખી છે.
પાકિસ્તાને આર્યલેન્ડ સામે જીતવુ પડશે: પાકિસ્તાનની ટીમ હવે ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ આર્યલેન્ડ સામે 16 જૂને રમશે. પાકિસ્તાને આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો આ મેચ વરસાદને કારણે અથવા અન્ય કોઈ કારણોસર રદ થઈ, તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. એટલે કે પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જશે. ઉપરાંત, આપણે આશા રાખવી જોઈએ કે અમેરિકા તેની છેલ્લી બે મેચ હારી જાય. જો તે એક મેચ પણ જીતે છે અથવા વરસાદના કારણે કોઈપણ મેચ રદ થાય છે તો પાકિસ્તાન બહાર થઈ જશે. આવી સ્થિતિમાં બાબર આઝમની ટીમને તેની મેચ જીતવાની સાથે અમેરિકાની હાર પણ જરૂર પડશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ પણ ખતમ થવાના આરે: ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડની હાલત ખરાબ છે. સ્કોટલેન્ડ સામેની તેની એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે બીજી મેચમાં પરાજય આપ્યો હતો. હવે તેણે છેલ્લી બે મેચ જીતવી પડશે. તે પણ ઈચ્છે છે કે સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હારી જાય. સ્કોટલેન્ડનો નેટ રન રેટ 2.164 છે, જ્યારે ઈંગ્લેન્ડનો માઈનસ -1.8 છે. જો સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે 20 રનથી હારી જાય છે, તો ઈંગ્લેન્ડને તેની બંને મેચ ઓછામાં ઓછા 94 રનના સંયુક્ત માર્જિનથી જીતવી પડશે. જો આમાંથી કોઈ પણ ભૂલ થશે તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ બહાર થઈ જશે.
- Advertisement -
વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈપણ ભોગે જીત જરૂરી: વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમને અફઘાનિસ્તાન સામે 84 રનના માર્જીનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રુપ સીમાં કેન વિલિયમસનની કપ્તાની હેઠળ ન્યૂઝિલેન્ડની ટીમ -4.2ના નેટ રન રેટ સાથે પાંચમા સ્થાને છે. હવે ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નિર્ણાયક મુકાબલો થશે. વિજેતા ટીમ આમાં આગળ વધશે.
અફઘાનિસ્તાન ક્વોલિફાય થશે: બીજી તરફ અફઘાન ટીમે સતત બે મેચ જીતી છે. તેણે બંને જીત એકતરફી રીતે મેળવી હતી. આ સાથે તેનો નેટ રન રેટ 5.225 છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન ટીમ માટે સુપર-8 માટે ક્વોલિફાય થવાનો માર્ગ સરળ લાગે છે.