દૂષણને ઉગતું જ ડામી દેવા સરકાર-પોલીસ સજજ: મુખ્યમંત્રી
સમાજ-રાષ્ટ્ર-રાજ્યવિરોધી પ્રવૃત્તિઓનું રૂપ દરરોજ બદલાતું રહે છે જેને ભરી પીવા પોલીસ સક્ષમ
- Advertisement -
દેશની સુરક્ષા માટે ગુજરાતની દરિયાઈ સીમા મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે-ગૃહમંત્રી હર્ષ સંઘવી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના દરિયાકાંઠેથી પાછલા થોડા મહિનાઓ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યા બાદ દેશના શત્રુઓ અહીંની દરિયાઈ સીમાનો ઉપયોગ કરી આખા ભારતમાં ડ્રગ્સનું દૂષણ સ્થાપવા માટે મહેનત કરી રહ્યા હોવાનું ખુલ્યું છે. આ સમસ્યા સામે લડવા માટે ગૃહ વિભાગ દ્વારા પહેલીવાર કોસ્ટલ સિક્યુરિટી-ઈન્ટરનલ સિક્યુરિટી રિવ્યુ એન્ડ પર્સપેક્ટિવ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં એક ગ્રામ ડ્રગ્સ પણ ઘૂસવા દેવાશે નહીં અને આ દૂષણ જેવું માથું ઉંચકશે કે તુરંત જ તેને ડામી દેવા માટે સરકાર અને પોલીસ સજ્જ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવી સમાજ વિરોધી પ્રવૃત્તિઓનું રૂપ દરરોજ બદલાતું રહે છે પરંતુ તેની સામે સંપૂર્ણ સજાગતા સાથે ગુજરાત પોલીસ-કોસ્ટલ સિક્યુરિટી એકદમ સજ્જ છે. તેણે વિવિધ વિભાગોના પરસ્પર સંકલનથી વધુ સંગીન અને સુદૃઢ બનાવવામાં આવ્યું છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના એસપી, કલેક્ટરો, ફિશરીઝ અને રેવન્યુના અધિકારીઓ ઉપરાંત એટીએસ, મરિન પોલીસ કમાન્ડોના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્યના યુવાધનને નશાખોરી-માદક દ્રવ્યોને રવાડે ચડાવનારા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે જેના ખૂબ જ સારા પરિણામો મળ્યા છે. આપણે દરિયાઈ સુરક્ષાને પણ એટલું જ મહત્ત્વ આપી 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાને આવી નાપાક ગતિવિધિઓથી સુરક્ષિત રાખી રહ્યા છીએ. આ તકે તેમણે કોસ્ટલ સિક્યુરિટી અને ઈન્ટરનલ સિક્યુરિટી માટે સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન સુદૃઢ કરવા સાથે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગની પણ ભલામણ કરી હતી. તેમણે પોલીસને રાજ્ય-રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષા-આંતરિક સલામતિ માટે અદ્યતન સાધન સામગ્રી પણ જરૂરિયાત મુજબ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવાની નેમ આ તકે વ્યક્ત કરી હતી.