ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ શહેર વચ્ચે આવેલા જૂના એરપોર્ટનું અમદાવાદ હાઈવે ઉપર સ્થળાંતર થઈ ગયા બાદ હવે શહેરમાં બહુમાળી બિલ્ડીંગો માટે એરપોર્ટ ઓથોરીટીનું એનઓસી લેવાની પ્રથા નાબુદ થઈ જતાં શહેરમાં ગગનચુંબી ઈમારતો બાંધવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. શહેર વચ્ચે આવેલા એરપોર્ટના કારણે શહેરમાં બહુમાળી બિલ્ડીંગોની ઉંચાઈની મર્યાદા 50થી 55 મીટર એટલે કે, 14 માળ સુધીની હતી પરંતુ હવે જૂનું એરપોર્ટ બંધ થઈ જતાં આ ઉંચાઈ મર્યાદા ખતમ થઈ ગઈ છે. અને બિલ્ડરો 50 કે, 100 માળ ઉંચા બિલ્ડીંગ માટે પણ મંજુરી મેળવી શકશે. જો કે, આ માટે ટીપીના ધારા-ધોરણ મુજબ જમીનનું ક્ષેત્રફળ હોવું જરૂરી છે. રાજકોટ શહેરમાં આવેલા એરપોર્ટનું અમદાવાદ હાઈવે ઉપર સ્થળાંતર થઈ જવા છતાં શહેરમાં નવા બિલ્ડીંગોની મંજુરી માટે એરપોર્ટ ઓથોરીટીનું એનઓસી માંગવામાં આવતું હોવાની રાજકોટ બિલ્ડર એસોસીએશનના ધ્રુવીક તળાવિયા સહિતના હોદેદારોએ કેન્દ્રીય ઉડ્યનમંત્રીને તાજેતરમાં રજૂઆત કરી હતી જેનો સાનુકુળ પડઘો પડ્યો છે.
- Advertisement -
અને શહેરમાં નવા બિલ્ડીંગોના બાંધકામ માટે એરપોર્ટ ઓથોરીટીના એનઓસી માંગવાની પ્રથા બંધ કરતું જાહેરનામું આજે પ્રસિધ્ધ થઈ જતાં બિલ્ડરોમાં રાહતની લાગણી ફેલાયેલ છે. એરપોર્ટ ઓથોરીટીના એનઓસીની પ્રથા નાબુદ થઈ જતાં હવે શહેરમાંથી બહુમાળી બિલ્ડીંગ બનાવવા માટે 50થી 55 મીટરની ઉંચાઈની મર્યાદા નાબુદ થઈ ગઈ છે. અને બિલ્ડરો હવે અમદાવાદ અને સુરતની માફક પોતાની કેપેસીટી મુજબ ઉંચાઈ માગી શકશે તેમ ક્રેડાઈના ધ્રુવીક તળાવિયાએ ગુજરાત મિરરને જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, અમારી રજૂઆત બાદ કેન્દ્રીય ઉડ્યન મંત્રીએ તાબડતોબ નિર્ણય લીધો છે. જેના કારણે બિલ્ડરોમાં રાહતની લાગણી જન્મી છે. હવે શહેરમાં ગગનચુંબી ઈમારતોના નિર્માણ માટેનો માર્ગ ખુલી ગયો છે