– જાહેર સ્થળોએ માસ્ક પહેરવા લોકોમાં જાગૃતિ ઉભી કરવા અને બંધ સ્થળોના કાર્યક્રમોમાં પર્યાપ્ત વેન્ટીલેશનની તાકીદ
કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક બાદ જણાવ્યું હતું કે નાતાલ-ન્યૂયરના તહેવારો પર તમામ રાજ્યોને સતર્ક રહેવા અને કોવિડ પ્રોટોકોલની તૈયારી રાખવા જણાવવામાં આવ્યું છે. હાલ તૂર્ત કોઇ પણ કોવિડ નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
- Advertisement -
તેઓએ જણાવ્યું હતું કે કોરોનાનો મુકાબલો કરવા માટે અગાઉની જેમ કેન્દ્ર અને રાજ્યો ખભેખભા મિલાવીને કામગીરી કરશે. આરટીપીસીઆર ટેસ્ટ વધારવા માટે રાજ્યોને સૂચના આપવામાં આવી છે. અત્યારે 10 લાખની વસ્તીએ 79 ટેસ્ટ થાય છે તે વધારવા સૂચવાયું છે. બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને નવી માર્ગદર્શિકા ઇસ્યુ કરી છે. તહેવારોની ઉજવણી દરમિયાન જાહેર સ્થળો પર માસ્ક પહેરવા માટે જાગૃતિ સર્જવામાં આવે. બંધ સ્થળોએ પર્યાપ્ત માત્રામાં વેન્ટીલેશન હોય તેની તકેદારી રાખવામાં આવે.
કોરોના સંક્રમણમાં વૃધ્ધિના સંજોગોમાં શ્વાસ જેવી અન્ય બિમારીઓ ધરાવતા દર્દીઓની વધુ કાળજી રાખવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝીલ, કોરિયા સહિતના વિશ્ર્વના દેશોમાં કોરોનાએ ફૂંફાડો મારતા ભારત સરકાર પણ સાવધ બની છે અને છેલ્લા 3 દિવસથી બેઠકોનો દોર શરુ કરીને આગોતરા આયોજનો નક્કી કરવામાં આવી રહ્યા છે. ભારતમાં હજુ પરિસ્થિતિ કાબૂમાં જ છે પરંતુ સંક્રમણ ફેલાવાના સંજોગોમાં છેલ્લી ઘડીએ દોડધામ ન કરવી પડે તે માટે આયોજનો ગોઠવવાનું શરુ કરાયું છે.