આવશ્યક ખાદ્યચીજોના ઊંચા ભાવ માટે ઇંધણના ઊંચા ભાવ જવાબદાર
ઇંધણના ઊંચા ભાવના કારણે ટમેટા, ઘઉં, કઠોળ સહીતની જીવનજરૂરી ચીજો મોંઘી થતાં માર પ્રજા ઉપર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા 15 મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 66 ડોલર કે 48 ટકા જેટલા ઘટયા પછી પણ 14 મહિનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કેન્દ્ર સરકારે કોઇપણ પ્રકારનો ઘટાડો જાહેર નહી કરતા ઊંચા ટ્રાન્સપોર્ટશન ખર્ચના કારણે હવે આવશ્યક ચીજોના ભાવ વધી રહ્યા છે. સરકારે ભાવ ઘટાડવા માટે સંગ્રહ ઉપર નિયંત્રણ મુકવાની જાહેરાત કરી છે પણ ઇંધણના ભાવમાં ઘટાડો કરવા માટે કોઈ પગલાં લીધા નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ માર્ચ 2022ની 139 ડોલરની સપાટી સામે અત્યારે 69થી 73 ડોલર પ્રતિ બેરલ વચ્ચે અથડાઈ રહ્યા છે પણ ભારતમાં પરિવહનમાં વપરાતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મે 2022 પછી કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, રશિયાએ ભારતને સસ્તું ક્રૂડ ઓઈલનું વેચાણ શરુ કર્યું હોવા છતાં તેનો લાભ સ્થાનિક ગ્રાહકોના બદલે અમેરિકા અને યુરોપને મળી રહ્યો છે. જૂન મહિનાની શરૂઆતમાં એવા અહેવાલ વહેતા થયા હતા કે રૂ.96 પ્રતિ લીટર પેટ્રોલ અને ડિઝલના ઊંચા ભાવમાં ઓઈલ કંપનીઓ ઘટાડો કરે એવી શક્યતા છે. જોકે, આ અંગે કંપનીઓ કે સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ઇંધણનો ભાવ ઉંચો રહેતા વિવિધ ચીજોનું પરિવહન મોંઘુ થઇ રહ્યું હોવાથી ટમેટા, ખાધતેલ, દાળ, કઠોળના ભાવ પણ સતત ઉચા રહે છે અને તેની અસર આમ જનતા ઉપર પડી રહી છે. દરમિયાન, આજે દેશમાં ટમેટાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં એક કિલો ટમેટાનો ભાવ રૂ.122 થઇ ગયો છે. રાજધાની દિલ્હીમાં રિટેલ ભાવ રૂ.80 જેટલો ઉંચો છે તો ગુજરાતમાં પણ ભાવ 100 થી 120 જેટલા જોવા મળી રહ્યા છે. ગ્રાહક બાબતોના સચિવ તરફથી પ્રજાને જણાવવામાં આવ્યું છે કે વરસાદના કારણે પરિવહનમાં વિક્ષેપના લીધે ભાવ વધ્યા છે અને આગામી થોડા દિવસોમાં જ પુરવઠો હળવો થતા તે ઘટી જશે.



