કચ્છ જિલ્લામાં હવાઈ પટ્ટીના વિકાસ માટે ગૌચરની જમીન ફાળવવા અંગેની જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની મહત્વની ટકોર
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
કચ્છ જિલ્લામાં હવાઈ પટ્ટીના વિકાસ માટે ગૌચર જમીનની ફાળવણી અંગેની જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે રાજય સરકારને એવી ટકોર કરી હતી કે, ‘ડેવલપમેન્ટના નામે સ્થાનિકોને તેમના જીવનયાપનથી વંચિત રાખી શકાય નહીં, તમે એવું કહો કે કચ્છમાંથી તમામ ગ્રામજનોને દુર કરીને અન્ય સ્થળે પુન:સ્થાપિત કરવાના છે તો બરાબર છે. પરંતુ વિકાસના નામે તેમનો મૂળ રોજગાર ઝુંટવી શકાય નહીં. અમે વિકાસની વિરોધમાં નથી, પરંતુ વિકાસ સર્વાંગી હોવો જોઈએ, સ્થાનિકોની મુશ્કેલી જેન્યુઈન છે અને એને નજરઅંદાજ કરી શકાય નહીં.’ આ મામલે હાઈકોર્ટે કચ્છ કલેકટરને અંગત સ્તરે સોગંદનામું કરવા નિર્દેશ આપ્યા છે.
- Advertisement -
કચ્છના કઢડા અને માંડવી ગામની ગૌચરની જમીનના મુદ્દે હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં એ મતલબના મુદ્દા રજૂ કરાયા હતા કે, સરકાર દ્વારા ગૌચરની જમીનનું સંપાદન કર્યા બાદ જે વૈકલ્પિક જમીનની ફાળવણી કરવામાં આવી છે એ ચારથી છ કી.મી. દુર છે. એટલે ગામના લોકોને 10થી12 કી.મી. આવવું-જવું પડે છે.’ અરજદારોએ એવી દલીલ કરી હતી કે કઢડા અને માંડવીના ગામોની ગૌચર જમીનો, જે અનુક્રમે રેવન્યુ સર્વે નંબર 357 અને 375 તરીકે ઓળખાય છે, તે એરસ્ટ્રીપ ડેવલપ કરવા માટે લેવામાં આવી રહી છે.
અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર એડવોકેટે કહ્યું હતું કે, અરજદારો એરસ્ટ્રીપના ડેવલપમેન્ટને ટેકો આપે છે, ત્યારે તેઓ ગૌચરની જમીનોને સ્થાનાંતરીત કરવાની પ્રતિકુળ અસર વિશે ચિંતીત છે. ખાસ કરીને કઢડા અને માંડવીની પંચાયતોને આપવામાં આવેલી વૈકલ્પિક ગૌચર જમીનો હાલની જમીનોથી 4-6 કિલોમીટર દુર આવેલી છે.
વધુમાં એવી દલીલ કરી હતી કે, ગૌચરના સ્થળાંતર માટેની 1લી એપ્રિલ, 2015ના સરકારી ઠરાવનું પાલન કરાતું નથી, જે નિર્ધારિત કરે છે કે વૈકલ્પિક ગૌચર જમીનો અસુવિધા ઘટાડવા માટે મૂળ જમીનોની શકય તેટલી નજીક હોવી જોઈએ. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 108(4), એ દાવાને સમર્થન આપવા માટે સંદર્ભીત કરવામાં આવી હતી કે રાજય સરકારને પંચાયત પાસે રહેલી જમીનો ફરી શરૂ કરવાની સત્તા છે પરંતુ તેણે નિયત પ્રક્રિયાઓનું પાલન કરવું આવશ્યક છે.