મહારાષ્ટ્ર પોલીસ અને ભારતીય સેનાનું સંયુક્ત ઓપરેશન
નકલી લાયસન્સ સાથે હથિયારો રાખી મહારાષ્ટ્રના શહેરોમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
મહારાષ્ટ્રના અહિલ્યા નગર (અગાઉ અહમદનગર) ખાતે મહારાષ્ટ્ર પોલીસ અને ભારતીય સેનાના ગુપ્તચર (સધર્ન કમાન્ડ) વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી નવ કાશ્મીરીઓની ધરપકડ કરી હતી. આ લોકો પાસેથી કથિત રીતે નવ રાઇફલ્સ અને 58 જીવંત કારતૂસ જપ્ત કરવામાં આવી હતી તેવું એક પોલીસ અધિકારીએ આજે જણાવ્યું હતું. આ અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના કેટલાક લોકો મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં નોકરી કરે છે અને નકલી લાયસન્સ સાથે હથિયાર રાખે છે તેવી વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થયા બાદ અમે તપાસ શરૃ કરી હતી.
તપાસના ભાગરૃપે જમ્મુ-કાશ્મીરના સત્તાવાળાઓને આ શસ્ત્ર લાયસન્સની પ્રમાણિકતા ચકાસવા માટે પત્રો મોકલવામાં આવ્યા હતા અને તે બનાવટી હોવાનું સ્પષ્ટ થતા દરોડા પાડવામાં આવ્યા હતા એવું અધિકારીએ ઉમેર્યું હતું. દરોડાના પગલે અહિલ્યાનગરમાં બાર બોરની નવ રાઇફલ અને 58 કારતૂસ સાથે નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓ જમ્મુના રાજોરીના વતની છે.
- Advertisement -
પકડાયેલા આરોપીઓમાં શબ્બીર મોહમ્મદ ઇકબાલ હુસૈન ગુજ્જર (38), મોહમ્મદ સલીમ ઉર્ફે સાલેમ ગુલ મોહમ્મદ (32) મોહમ્મદ સફરાજ નઝીર હુસૈન (24) જહાંગીર ઝાકીર હુસૈન (28) શાહબાઝ અહેમદ નઝીર હુસૈન (33) સુરજીત રમેશચંદ્ર સિંહ, અબદુલ રાશીદ ચીડિયા (38) તુહૈલ અહમદ મોહમ્મદ ગાઝીયા અને શેર અહેમદ ગુલામ હુસેનનો સમાવેશ થાય છે.
આ બાબતે વધુ વિગત આપતા અન્ય એક અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે શેર અહમદ ગુલામ હુસૈન આ રેકેટનો મુખ્ય સુત્રધાર છે અને આરોપીઓને સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી મળે તે સુનિશ્ચિત કરવા માટે બાર બોરની રાઇફલ અને તેના નકલી લાયસન્સ અપાવવા માટે 50 હજાર રૃપિયા લીધા હતા. આ વ્યક્તિઓ અહિલ્યાનગરના શ્રીગોંદા, છત્રપતિ સંભાજીનગર પુણે જેવા શહેરોમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ પુણેના તોફખોના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આ રેકેટની વધુ તપાસ કરવામાં આવી રહી છે.