પ્રથમ વખત બોલીવુડનો પ્રતિષ્ઠિત એવોર્ડ મુંબઈ બહાર યોજાશે: ફિલ્મી સેલીબ્રીટીઓનો જમાવડો થશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં એકતા કોમનવેલ્થ સહિતના રમતોત્સવ યોજવા માટે ગુજરાત સરકાર ‘બીડ’ કરે તથા 2036ના ઓલિમ્પિક મહોત્સવ માટે પણ ભારતની બીડમાં ગુજરાત યજમાન બને તે માટે તૈયારી થઈ રહી છે તો હવે રાજયમાં ફિલ્મ ઉદ્યોગને વેગ આપવા તથા ફિલ્મોના શુટીંગ વિ. માટે રાજયના અનેક લોકેશનને બોલીવુડના નકશા પર મુકવા રાજય સરકારની તૈયારીના ભાગરૂપે દેશના પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ 2024 અમદાવાદ-ગાંધીનગરમાં યોજાય તે માટે આજે ખાસ આ એવોર્ડના આયોજક ટાઈમ્સ ઓફ ઈન્ડીયા ગ્રુપ સાથે કરાર થશે.
- Advertisement -
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની હાજરીમાં ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને ટાઈમ્સ ગ્રુપના ‘વલ્ર્ડવાઈડ મીડીયા’ વચ્ચે થનારા આ કરારમાં બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પણ હાજર રહેશે અને ટાઈમ્સ ગ્રુપના એમડી શ્રી વિનીત જૈન પણ આજના આ કરાર સમયે ઉપસ્થિત રહેશે.
ફિલ્મફેર એવોર્ડએ હિન્દી ફિલ્મનો સૌથી લોકપ્રિય એવોર્ડ છે અને આ એવોર્ડ મેળવવો એ ફિલ્મી કલાકારો સહિતના ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા લોકો માટે ગૌરવ છે અને તે હવે પ્રથમ વખત મુંબઈ બહાર યોજાશે.
જેમાં ભાગ લેવા બોલીવુડ ઉપરાંત દેશના ફિલ્મી ક્ષેત્રના અનેક નામી સિતારાઓ તથા નિર્માણ સાથે જોડાયેલા સેલીબ્રીટી પણ ગુજરાત આવશે. આ માધ્યમથી બોલીવુડ સહિતની ફિલ્મોના શુટીંગ વિ.માં પણ ગુજરાતનું મહત્વ વધશે તથા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પણ વેગ મળશે તે નિશ્ચિત છે. સાંજે 4 વાગ્યે આ અંગે ગાંધીનગરના નર્મદા હોલમાં એક ખાસ કરાર થશે.