ચોટલી/ટોપી, મેઈન/હેડિંગ, પેટા/સબહેડિંગ
ઈન્ટ્રો/લીડ/મુખડું, બોડી, નિષ્કર્ષ/સમાપન
માનવી સામાજિક પ્રાણી છે. દરેક મનુષ્યમાં કશુંને કશું નવું જોવા-જાણવા-સમજવાની જીજ્ઞાસા-ઉત્સુકતા-આતુરતા રહેલી છે. કોઈપણ ઘટનાની સૂચના – જાણકારી – માહિતી માણસને સંતોષ, અસંતોષ, આનંદ, અવસાદ, આશ્ચર્ય અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. સમગ્ર ઘટનામાં શું થયું કે શું થશે તેને પામી લેવાની તાલાવેલી કોનામાં ન હોય? ગમતી-અણગમતી બાબતો જાણવા લોકોનું મન-મગજ હંમેશા તૈયાર-તત્પર હોય છે અને આ તમામ બાબતો સમાચારને જન્માવે છે. કોઈપણ ઘટનાની સૂચના – જાણકારી – માહિતીનું આદાનપ્રદાન સમાચાર છે. સમાચારની ઘણીબધી વ્યાખ્યાઓ છે પણ તેનું સ્વરૂપ નિશ્ચિત છે. ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં સમાચારનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તેના કોઈ ચોક્કસ નિયમો નહતા. બસ.. આડીઅવળી રીતે સમાચાર લખાતા અને છપાતા હતા. સમય જતા સમાચારને પ્રભાવશાળી, પઠનીય અને પૂર્ણ બનાવવાના હેતુસર કેટલાક નિયમો બનાવવામાં આવ્યા. પત્રકારત્વમાં સમાચારને એક ચોક્કસ સ્વરૂપ આપવા ચોટલી/ટોપી, મેઈન/હેડિંગ, પેટા/સબહેડિંગ, ઈન્ટ્રો/ લીડ/ મુખડું, બોડી, નિષ્કર્ષ/સમાપન આવ્યા અને સમાચારનું એક ચોક્કસ સ્વરૂપ નક્કી થયું.
સમાચારમાં સૌ પ્રથમ મથાળું આવે છે. વાંચકનું ધ્યાન સૌથી પહેલા સામચારના હેડિંગ પર જાય છે. ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ થતા સમાચારના મથાળા ક્યારેક ક્યારેક માથું ખંજવાળવા મજબૂર કરતા હોય છે. ઘણીવાર સમાચારનું હેડિંગ કઈક હોય છે અને હેડિંગ નીચે આપેલું સમાચારનું ક્ધટેન્ટ કઈક હોય છે. ક્યારેક સમાચારનું મથાળું સમાચારના સ્વરૂપને વિકૃત કરી મૂકનારું હોય છે તો ક્યારેક હસવા તો ક્યારેક ગુસ્સો કરવા મજબૂર કરે તેવું હોય છે. પત્રકારો સમાચારને રસપ્રદ બનાવવા તેમજ સમાચાર પ્રત્યે વાંચકોનું ધ્યાન આકર્ષિત કરવા સમાચારના મનફાવે તેવા મથાળા બાંધી દેતા હોય છે. પત્રકારો ઈરાદાપૂર્વક પણ સમાચારના મથાળાઓ સાથે ચેડાં કરતા હોય છે. જોકે મોટેભાગે પત્રકારનો હેતુ કંસાર બનાવવાનો હોય છે પરંતુ ઘણીવાર પત્રકારોથી થૂલી થઈ જતી હોય છે અને અને અર્થના અનર્થ કરી દીધેલા સમાચારના મથાળા વાંચવા મળે છે.
- Advertisement -
સમાચારના મુખ્ય મથાળાને મેઈન/હેડિંગ કહેવાય છે. તેની ઉપર જે લાઈન આવે છે તેને ચોટલી/ટોપી કહેવાય છે અને તેની નીચે જે લાઈન આવે છે તેને પેટા/સબહેડિંગ કહેવાય છે. કેટલીક વખત સમાચારમાં માત્ર મેઈન/હેડિંગ જ જોવા મળે તો ક્યારેક મોટા અક્ષરોમાં મેઈન/હેડિંગ ઉપર નાના અક્ષરોમાં એક લાઈન ચોટલી/ટોપી જોવા મળે. તો ક્યારેક મોટા અક્ષરોમાં મેઈન/હેડિંગ નીચે નાના અક્ષરોમાં એક લાઈન પેટા/સબહેડિંગ પણ જોવા મળે. મુખ્ય સમાચારોમાં ચોટલી/ટોપી, મેઈન/હેડિંગ, પેટા/સબહેડિંગ ત્રણેય જોવા મળે છે. જેમ અખબારનો આત્મા સમાચાર છે તેમ સમાચારનો આત્મા તેનું મથાળું છે. મથાળું વાંચી વાંચકો સંપૂર્ણ સમાચાર વાંચવા પ્રેરાતા હોય છે. તેથી સમાચારનું મથાળું આકર્ષક હોવું જોઈએ, શુદ્ધ અને સરળ ભાષામાં ટૂંકુ હોવું જોઈએ, સમાચારના વિષયને અનુરૂપ હોવું જોઈએ.
મથાળું વર્તમાનકાળમાં લખાયેલું હોવું પણ જરૂરી છે. અંગ્રેજી અખબારોના મથાળામાં લખતા એ, એન, ધી જેવા શબ્દોનો ઉપયોગ ગુજરાતી સમાચારના મથાળામાં થવો ન જોઈએ. સમાચારના મથાળા સૌથી અગત્યની સામગ્રીઓ પૈકીના એક છે. મથાળામાં સમાચારની નોંધપાત્ર અથવા મહત્વપૂર્ણ ઘટનાના હાર્દનો ઉલ્લેખ કરવાનો હોય છે. સમાચારના મથાળા એટલે કે મેઈન/હેડિંગ લખવા એ એક કળા છે અને આ કળામાં પારંગત થવા માટે ખૂબ જ વાંચન, અભ્યાસ તથા સમજણની જરૂર હોય છે. ક્યારેક સમાચારના મથાળા બાંધવામાં થયેલી ભૂલ પત્રકાર સહિત તંત્રી, મુદ્રક, પ્રકાશક, માલિકને તકલીફમાં મૂકી દેતી હોય છે તેથી કોઈપણ પત્રકારે સમાચારનું મથાળું લખવામાં ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. પત્રકારો સમાચાર લખ્યા બાદ મથાળા બાંધતા હોય છે, જો સમાચાર લખ્યા પહેલા મથાળા બાંધી લેવામાં આવે તો સમાચાર લેખનમાં ભૂલોને ઓછો અવકાશ છે તેમજ સમાચાર લખવામાં પણ સરળતા રહે છે.
ચોટલી/ટોપી, મેઈન/હેડિંગ, પેટા/સબહેડિંગ બાદના સમાચારના સ્વરૂપને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે, ઈન્ટ્રો અથવા લીડ અથવા મુખડું, બોડી અને નિષ્કર્ષ કે સમાપન. સમાચારના પ્રથમ પેરેગ્રાફને ઈન્ટ્રો અથવા લીડ અથવા મુખડું કહેવાય છે જેમાં સમગ્ર સમાચારનો ટૂંકસાર હોય છે. સમાચાર પહેલો ફકરો જ ઈન્ટ્રો હોય એવું નથી હોતું, ક્યારેક પ્રથમ અને દૃતીય બંને ફકરાઓ ઈન્ટ્રો હોય છે. સમાચાર લખતા અગાઉ ઈન્ટ્રોની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. સમાચારનો મૂળભૂત સિદ્ધાંત કથા કે કહાનીથી તદ્દન વિપરીત છે. સમાચારમાં કોઈપણ ઘટનાના મહત્વપૂર્ણ તથ્યો અને સૂચના સૌપ્રથમ આપવામાં આવે છે. આ જ બાબત વાર્તા, નવલકથા કે ફિલ્મમાં સૌથી છેલ્લે આવે છે. મતલબ કે સમાચારમાં ક્લાઈમેક્સનું ઈમ્પોટન્ટ સૌથી વધુ અને સૌથી પહેલું છે. સમાચારની આ સૌથી મહત્વપૂર્ણ બાબત તેના ઈન્ટ્રોમાં આવી જવી જોઈએ અને તે 40થી 50 શબ્દોથી વધુ ન હોવો જોઈએ. સમાચારમાં ઘટના ક્યાં, ક્યારે, કેમ, કેવી રીતે અને કોની સાથે થઈ વગેરે જેવી માહિતી મળી જવી જોઈએ. અહીં પાંચ ડબ્લ્યૂ અથવા એક એચના સિદ્ધાંતનો પાલન જરૂરી છે. ઠવજ્ઞ, ઠવયક્ષ, ઠવયયિ, ઠવફિ,ં ઠવુ, ઇંજ્ઞૂ.. સમાચારના પ્રથમ ફકરામાં એટલે કે ઈન્ટ્રોમાં સંપૂર્ણ સમાચારનું ટૂંકમાં પરંતુ પૂર્ણ વર્ણન આવી જવું જોઈએ.
મથાળાની જેમ જ મુખડું પણ સમાચારનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. કેમ કે, તેમાં સમાચારની મહત્વપૂર્ણ જાણકારી હોય છે. તેના આધારે જ સમાચારની ગુણવત્તા નક્કી થતી હોય છે. મુખડા બાદ બોડી આવે છે. મુખડામાં ઉલ્લેખ કરેલી મહત્વપૂર્ણ જાણકારીનું વિશ્લેષણ બોડીમાં હોય છે. બોડી બાદ છેલ્લા ફકરામાં સમાચારનું સમાપન આવે છે. સમાપનમાં સમાચાર અધૂરા કે અધકચરા છે એવું ન લાગે તે માટે નિષ્કર્ષ કે સમાપનમાં પણ સમગ્ર સમાચારનો સાર લખી શકાય છે. સમગ્ર સમાચાર 150થી 400 શબ્દોમાં લખાઈ જવા જોઈએ. લાંબાલચક સમાચારો વાંચકોને આકર્ષિત કરતા નથી. સમાચારમાં શબ્દો અને માહિતીનું પુનરાવર્તન ટાળવું જોઈએ. સમાચાર નાના વાક્યોમાં લખવા જોઈએ. ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ માહિતી આપતા સમાચાર વાંચકો પસંદ કરે છે. અને હા, પત્રકારત્વના ક્ષેત્રમાં પાપાપગલી કરનારાઓએ સમાચારો હંમેશા ગ્રાઉન્ડ ઝીરો પર જઈને શોધવા જોઈએ, ગૂગલમાં નહીં.
- Advertisement -
વધારો : ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ થયેલા કેટલાંક સમાચારોના એકસમાન મથાળા
બે બાટલી સાથે ચાર પ્યાસીઓ ઝડપાયા / ગુનેગારો સામે પોલીસની લાલ આંખ / ભૂમાફિયાને લીમડાનો સ્વાદ ચખાડાયો / ક્રિમબ્રાન્ચ પર એલસીબીનો સપાટો / ખાખી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ / નબીરો સગીરાને ઉપાડી ગયો / ઢાંઢાએ બાળક સાથે અપકૃત્ય આચર્યું / ખાડામાં શહેર કે શહેરમાં ખાડા / તંત્રનું કામ ગોકળગાયની ઝડપે / મનપાની પોલ ખોલતા મેઘરાજા / મેઘરાજાની તોફાની બેટિંગ / ચાર લવરમૂછીયાઓએ રમકડાની રિવોલ્વર બતાવી ખંડણી વસૂલી / એક સગીર સહિત ચારેય સકંજામાં / છોટાહાથીનો અકસ્માત : બે ઘવાયા, ચાર મર્યા / વહિવટી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાશે / અજાણ્યા શખ્સે એકનું ઢીમ ઢાળી દીધું / પેટ્રોલ-ડીઝલ ભાવમાં ભડકો / ઘર પાસે ગાળો કેમ બોલશ કહી માર માર્યો / કોના બાપની દિવાળી : પ્રજાના પૈસે નેતાઓને લીલાલહેર / આમ આદમીને મોંઘવારીનો માર…