1 કરોડની લોન સુધી હવે મહત્તમ 5 હજાર સ્ટેમ્પ ડ્યૂટી
બિનખેતી સમયે ખેડૂતનો 25 વર્ષ સુધીનો જ રેકોર્ડ ધ્યાન પર લેવાશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોમાં ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યૂટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે.
સ્ટેમ્પ ડ્યૂટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં 10મી એપ્રિલથી અમલ થશે. 1 કરોડ સુધીની લોન પર હવે મહત્તમ 5 હજાર રૂપિયા જ સ્ટેમ્પ ડ્યૂટી લાગશે. બિનખેતીના કિસ્સામાં ખેડૂતોનાં વર્ષો જૂના રેકોર્ડને ધ્યાન પર લેવાતો હતો, પરંતુ હવે 25 વર્ષ કરતાં જૂનો રેકોર્ડ ધ્યાન પર નહીં લેવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યૂટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યા છે એમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે:
વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ રૂ.200ની સ્ટેમ્પ ડ્યૂટી વાપરીને કરી શકાશે.
રૂ.1 કરોડ સુધીની લોનની રકમ પર મહત્તમ રૂ.5,000/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ કરવાની રહેશે.
રૂ.10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતા ગીરોખત/હાઇપોથિકેશનના ડોક્યુમેન્ટ પર મહત્તમ રૂ.8,00,000/-ની ડ્યૂટીની હાલની જોગવાઇમાં વધારો કરીને એ રૂ.15,00,000/- કરવામાં આવી છે, પરંતુ એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો એવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.75,00,000/- સુધીની સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરવાની રહેશે એવી જોગવાઈ કરવામાં આવી છે.
વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.5,000/-ની ડ્યૂટી ભરપાઇ કરવાની રહેશે.
ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરી હોય એવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યૂટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યૂટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.
એ જ રીતે સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો એવા કિસ્સામાં માસિક 3 ટકાના દરે, પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના 1%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાક(રેસિડેન્શિયલ) માટે ફિક્સ રૂ.500/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.1000/-ની ડ્યૂટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.
ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી એના પર સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરાવવામાં નહિ આવે તો એવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યૂટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો/નાણાકીય સંસ્થાઓની રહેશે.
ઉપરાંત અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરી હોય એવા ડોક્યુમેન્ટની નકલ પર પણ ડ્યૂટી વસૂલ કરી શકાશે, એવી જોગવાઇ પણ આ એક્ટમાં કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યૂટીમાં સુધારા-વધારા મૂળ ડ્યૂટી માટે કરવામાં આવ્યા છે. એમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યૂટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આની જોગવાઈઓથી ઉદ્યોગકારો તેમજ હાઉસિંગ લોનધારકોને નાણાકીય બોજમાં ઘટાડો થાય એવો સરકારે પ્રયત્ન કર્યો છે.