અભ્યાસક્રમનું નવું માળખું જાહેર
ખાસ-ખબર સંવાદદાતા
નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્કના મુસદ્દામાં ધો.12ની બોર્ડની પરીક્ષા બે ટર્મમાં લેવાનો પ્રસ્તાવ છે. સાથે જ ધો.10 અને ધો.12ના પરિણામમાં અગાઉના ધોરણના ગુણ ઉમેરવાની ભલામણ પણ કરવામાં આવી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ તૈયાર કરાયેલા ફ્રેમવર્કમાં વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટ્સ સ્ટ્રીમના વિભાજનને નાબૂદ કરવાનો પણ પ્રસ્તાવ છે. કોરોના મહામારી દરમિયાન અભ્યાસક્રમને અડધો-અડધો વહેંચીને બોર્ડની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવી હતી. એ જ વ્યવસ્થાને કાયમી કરવાનો પ્રસ્તાવ ડ્રાફ્ટમાં છે.
સરકાર નવા કરીક્યુલમ ફ્રેમવર્કને વર્ષ 2024-25ના સત્રથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે ગુરુવારે એનસીએફના ડ્રાફ્ટને જારી કરીને લોકો પાસેથી સૂચનો મગાવ્યા છે. ડ્રાફ્ટમાં સ્કૂલી શિક્ષણના છેલ્લા ચાર વર્ષમાં ધો.9થી 12 દરમિયાન વિદ્યાર્થીઓને વિષયોની પસંદગીમાં સ્થિતિસ્થાપક બનવાનો પ્રસ્તાવ છે. વિષયોને આઠ સમૂહમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં હ્યુમેનિટીઝમ, મેથેમેટિક્સ એન્ડ કમ્યુટિંગ, વોકેશનલ એજ્યુકેશન, ફિઝિકલ એજ્યુકેશન, આર્ટ્સ એજ્યુકેશન, સોશિયલ સાયન્સ, સાયન્સ એન્ડ ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ્સનો સમાવેશ થાય છે.