રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન: કાંતિલાલ અમૃતિયા અને પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
મોરબી જિલ્લામાં જાહેર ટ્રસ્ટોની કામગીરીને વધુ વેગવંતી અને સુવિધાયુક્ત બનાવવા માટે ₹2.47 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ચેરીટી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, સરકારના જન સુખાકારીના વિઝન સાથે આ ભવનનું નિર્માણ થયું છે. મોરબી જિલ્લામાં 4.5 હજારથી વધુ ટ્રસ્ટ કાર્યરત છે જે ગૌરવની વાત છે. તેમણે તમામ ટ્રસ્ટોને પર્યાવરણ જતન માટે 100-100 વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનો અનુરોધ કર્યો હતો. મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ જિલ્લાના ટ્રસ્ટોની નિષ્ઠાવાન કામગીરીની પ્રશંસા કરી હતી, જ્યારે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ આ ભવનને સરકારની કલ્યાણ રાજની ભાવનાનું પ્રતિક ગણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નવા નોંધાયેલા ટ્રસ્ટોને મહાનુભાવોના હસ્તે નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે.બી. ઝવેરી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ ટ્રસ્ટના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



