નેપાળના વડાપ્રધાન આજથી 4 દિવસના ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ભારતના પ્રવાસ દરમિયાન તેઓ PM નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે.
નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ આજથી ચાર દિવસના પ્રવાસે ભારત પહોંચશે. પ્રવાસ પહેલા વડાપ્રધાન પ્રચંડે કહ્યું છે કે, તેઓ નવી દિલ્હીની સાથે લાંબા ગાળાના વીજ વેપારના મુદ્દાને ઉઠાવશે, આશા છે કે આ “મડાગાંઠ” ઉકેલાઈ જશે. ડિસેમ્બર 2022માં નેપાળના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી 68 વર્ષીય સીપીએન-માઓવાદી નેતાનો આ પ્રથમ વિદેશનો પ્રવાસ છે.
- Advertisement -
વડાપ્રધાન મોદી સહિત અન્ય નેતાઓ સાથે કરશે મુલાકાત
વડાપ્રધાન પ્રચંડ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની સાથે ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ સાથે બંને દેશો વચ્ચે વર્ષો જૂના સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત કરશે.
રાષ્ટ્રપતિ સાથે પણ કરશે મુલાકાત
ડિસેમ્બર 2022માં સત્તા સંભાળ્યા બાદ નેપાળના વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા હશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવશે. આ દરમિયાન તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરશે.
ઉજ્જૈન મહાકાલના કરશે દર્શન
વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ 2 જૂને મધ્યપ્રદેશના બે દિવસીય પ્રવાસે જશે. એક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમનું સ્વાગત કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે, “2 જૂને ઈન્દોર પહોંચ્યા બાદ PM પ્રચંડ ઉજ્જૈન જશે જ્યાં મહાકાલેશ્વર મંદિરના દર્શન કરશે.” અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, PM પ્રચંડ 3 જૂને ઈન્દોરમાં TCS અને ઈન્ફોસિસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની મુલાકાત લેશે અને તે જ દિવસે બપોરે તેઓ નવી દિલ્હી જવા રવાના થશે.