લોકસભાની જેમ રાજયસભામાં પણ NDA ને અનુકુળ સમીકરણો
રાજયસભાની 12 બેઠકોમાં સીંગલ ફોર્મ ભરાયા: એનડીએને 11 સીટ મળશે: 27મીએ વિધિવત પરિણામ બાદ કુલ 237માંથી શાસક મોરચાની સભ્ય સંખ્યા 119ની થશે
- Advertisement -
લોકસભાની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે બહુમતી મળી ન હોવા છતાં એનડીએની બહુમતીથી સરકાર બની હતી. હવે રાજયસભામાં પણ એનડીએને બહુમતી મળી જવાના સંજોગો છે. રાજયસભાની 12 બેઠકોની ચુંટણીમાં તમામ ઉમેદવારો બીનહરીફ થવાના સંકેત છે. વિધિવત પરિણામ જાહેર થયા બાદ એનડીએની સભ્ય સંખ્યા 119 થવા સાથે બહુમતી હાંસલ થઈ જશે.
દેશના 9 રાજયોની રાજયસભાની 12 બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ બેઠકો પર એક-એક ઉમેદવારે જ ઉમેદવારી નોંધાવી હતી. કોઈ પ્રતિસ્પર્ધી ન રહેતા તમામ બેઠકો બીનહરીફ થવાનુ નિશ્ચિત છે. ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 27 ઓગષ્ટ છે ત્યારબાદ ચુંટણીપંચ પરિણામ જાહેર કરીને વિજેતા ઉમેદવારોની ઘોષણા કરશે. આ સાથે રાજયસભામાં એનડીએની બહુમતી થઈ જશે. હરિયાણાની એક બેઠક પર કોંગ્રેસે પણ ઉમેદવાર ઉભા રાખવાની વિચારણા કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ માંડી વાળતા હવે માત્ર ભાજપ્ના ઉમેદવાર કિરણ ચૌધરી જ મેદાનમાં છે. આ સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઓડીશા તથા ત્રિપુરાની એક-એક બેઠક પર પણ એક જ ફોર્મ ભરાયા હતા. બિહાર, આસામ, મહારાષ્ટ્રમાં બે-બે ઉમેદવારો છે જયાં બે-બે બેઠકોની ચુંટણી છે. આજે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ વિધિવત પરિણામ 27મીએ ઘોષિત થશે.
ચૂંટણીપંચ દ્વારા સતાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ઉપલાગૃહ (રાજયસભા)માં પ્રથમ વખત એનડીએની બહુમતી થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયસભામાં હાલ 20 બેઠકો ખાલી છે. 12 બેઠકોની ચુંટણી બાદ કુલ સભ્ય સંખ્યા 237 થશે. ભાજપી સભ્યસંખ્યા 87થી વધીને 97 અને એનડીએની 119ની થઈ જશે. વર્તમાન 237 સભ્યસંખ્યા ધરાવતી રાજયસભામાં 119નો આંકડો બહુમતી માટે પુરતો છે. વર્તમાન 12માંથી 11 બેઠકો એનડીએના ફાળે જશે. રાજયસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન છે. રાજયસભાના સભ્ય કે.સી.વેણુગોપાલ લોકસભામાં ચુંટાયા છે. આ જ રીતે બિહારના આરજેડીના મીસા ભારતી તથા દિપેન્દ્ર હુડ્ડા લોકસભામાં ચુંટાયા હતા. આ રાજયોની વિધાનસભામાં સંખ્યાબળના આધારે ભાજપ્ને લાભ છે. આ સ્થિતિમાં ભાજપ્ને ત્રણ બેઠકોનો ફાયદો થયો છે.