રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
દીવાલ ધરાશાયી થતાં બે કાર દબાઇ ગઇ, ઘરોમાં પાંચ ફૂટ પાણી ભરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં ચાર કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યું છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે.
નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળાએથી પરત ફરતા બાળકો ને લઈ જતા વાહનો અધવચ્ચે ખોટકાયા હતા. તો દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. શહેરમાં આવેલી ઝુમરૂ ગેસ એજન્સીના ગોડાઉનમાં પાણી ભરાતા ગેસની એક બે નહીં 50થી વધુ બોટલો ગેટ તોડી પાણીમાં તણખલાની જેમ તણાઇ ગઇ હતી. તો શહેરના શાંતાદેવી વિસ્તારમાં એક કાર તણાઇ ગઇ હતી.
નવસારીમાં 12 વાગ્યા સુધીમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબાકાર સ્થિતિ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઇને બીલીમોરાથી ઊંડાચને જોડતા ગરનાળામાં પાણી ફરી વળવાના કારણે લોકોની આવનજાવન પર સીધી અસર થઈ છે. તો નેશનલ હાઈવે નંબર 48ને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઇ જતાં લોકોને 20 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે. ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે એના રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. એને લઇને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયાં છે. નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો બંધ થઇ ગયો છે, જ્યારે વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઇ ગયાં છે. નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં દીવાલ ધસી પડતા 2 કાર દબાઈ ગઈ છે.
- Advertisement -
શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા
ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ શુક્રવારે રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે, જ્યારે હજી પણ 1800 ક્યૂસેક પાણીની સતત આવક ચાલુ છે, જેને લઇને નીચાણવાળાં 17 ગામને એલર્ટ અપાયું છે.
જામનગરના વિસ્તારોને એલર્ટ અપાયું
જામનગરમાં વહેલી સવારથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે, જેના કારણે જામનગર શહેરના મુખ્ય માર્ગો પર પાણી વળ્યાં છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇને જામનગર જિલ્લાના અનેક વિસ્તારોને આજે એલર્ટ કરી દેવામાં આવ્યા છે.