-કાંઠે મેડીકલ ટીમો તૈનાત: દવાનો પુરતો સ્ટોક
બિપોરજોય વાવાઝોડાના ભયથી સલામત સ્થળે ખસેડી લેવાયેલા લોકો પૈકી સરકારી અધિકારીઓએ એવી 1035 ગર્ભવતી મહિલાઓને શોધી છે. જેઓ આગામી સપ્તાહમાં બાળકને જન્મ આપી શકે છે. દરિયા કાંઠે આવેલાં 8 જિલ્લાઓમાંથી સલામત સ્થળે ખસેડી લેવાયેલી 916 ગર્ભવતી મહિલાઓ એવી છે જે 11 જૂનથી દરીયા કિનારાની આસપાસના વિસ્તારોમાં ઉભા કરાયેલા શેલ્ટર હોમમાં રહે છે અને આ મહિલાઓ વાવાઝોડાના પ્રકોપનો સૌથી વધુ ભોગ બની શકે તેમ છે એવી દહેશતના પગલે તેઓને દૂરના અંતરે આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ખસેડી લેવામાં આવી છે.
- Advertisement -
14 જૂન સુધીમાં 510 મહિલાઓએ બાળકોને જન્મ આપી દીધો છે. ગુજરાત સરકારે શેલ્ટર હોમ અને રાહત છાવણીઓમાં ખસેડવામાં આવેલી ગર્ભવતી મહિલાઓની યોગ્ય સારવાર અને કાળજી લેવા માટે ઘણાં સમય પહેલાં એક પરિપત્ર ઈસ્યુ કર્યો હતો તેથી ગત 7 જુનથી જ તેઓને કોઈપણ જાતની ખલેલ વિના અવિરતપણે તમામ પ્રકારની મેડીકલ સારવાર આપવાનું ચાલુ કરી દીધુ હતું. રાજય સરકારે દરિયા કાંઠાના આઠ જિલ્લાઓના તમામ મેડીકલ સ્ટાફની રજાઓ રદ કરી નાંખી હતી. એટલું જ નહી પરંતુ કિપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા વધારાની ટીમ પણ ઉભી કરી હતી.
પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં ઉભી થયેલી સ્ટાફની અછતને પુરી કરવા 19 ટીમ રવાના કરવામાં આવી છે જેમાં કચ્છ જિલ્લામાં 10, દ્વારકામાં 5, ગીર સોમનાથ અને જામનગર એમ પ્રત્યેકમાં 2-2 ટીમ રવાના કરાઈ છે. કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર જેવા દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ અને તાલુકાની હોસ્પીટલોમાં 30 સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને તૈનાત કરાયા છે જેમાં મોટાભાગે ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીસીયન (નાના બાળકોના ડોકટર) અને ઓર્થોપીડીયાટ્રીસીયનનો સમાવેશ થાય છે.
પ્રાદેશિક સ્તરે આવેલી તમામ મેડીકલ કોલેજો અને હોસ્પીટલોમાં રેપીડ રિસ્પોન્સ ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે જેમાં કચ્છની જી.કે.જનરલ હોસ્પીટલ, જામનગરની જી.જી.જનરલ હોસ્પીટલ, પોરબંદર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ઉપરાંત જુનાગઢ, મોરબી અને રાજકોટની જનરલ હોસ્પીટલોનો સમાવેશ થાય છે.
- Advertisement -
મેડીકલ સર્વિસીસ એન્ડ પબ્લીક હેલ્થ વિભાગના એડીશ્નલ ડાયરેકટર ડો. નિલમ પટેલે કહ્યું હતું કે કચ્છ, દ્વારકા અને મોરબી સૌથી વધુ પ્રભાવિત થાય એવી શકયતાને ધ્યાનમાં લેતાં અને આ ત્રણ જિલ્લાઓ ઉપર સૌથી વધુ ફોકસ આપ્યું છે અને તમામ પ્રકારની તબીબી સેવાઓ કોઈપણ જાતની ખલેલ વિના અવિરતપણે ઉપલબ્ધ બને તે બાબત સુનિશ્ર્ચિત કરી લીધી છે.
તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો ઉપર દવાઓનો પુરતો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો છે અને જનરેટરો પણ મોકલી દેવામાં આવ્યા છે એમ ડો. પટેલે ઉમેર્યું હતું.