વર્ષ 2021-22માં બાળકીનો જન્મદર 886થી વધીને 925
રાજકોટ જિલ્લામાં વયસ્ક સ્ત્રીની જનસંખ્યા વધીને 13,117 થઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સ્તરે દીકરીના જન્મ અને શિક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજે 24 જાન્યુઆરીના દિવસને નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે એટલે કે રાષ્ટ્રીય દીકરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબુદી, દીકરીના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા સૌ પ્રથમ 2008માં આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં દીકરીઓના મહત્વને દર્શાવવા, યોગ્ય જાતિ ગુણોત્તર, સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા, મહિલાઓને શિક્ષણ, રોજગાર, વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા, રાજકીય ક્ષેત્ર સાથે જોડવા જેવા હેતુઓ સાથે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી સમાજના નાગરિકોમાં દીકરીઓ પ્રત્યેની સંકુચિત માનસિકતામાં બદલાવ લાવવાનો છે.
રાજકોટ જિલ્લામાં મહિલા બાળ જન્મદર અંગે જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડએ જણાવ્યું કે, મહિલા બાળ જન્મદર વધારવા માટે સરકાર દ્વારા જે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના પરિણામ સ્વરૂપે જિલ્લામાં જેન્ડર રેશીયોમાં છેલ્લા 5 વર્ષથી સતત સુધારો થઈ રહ્યો છે. અગાઉ સ્ત્રી બાળ જન્મદર સામે પુરુષ બાળનો જન્મદર ઉંચો હતો. રાજકોટ જિલ્લામાં સ્ત્રી જન્મદર 2018માં 886 જેટલો હતો જે ગત વર્ષ 2021-22માં 1000 બાળકના જન્મદર સામે બાળકીનો જન્મદર 925 થયો છે. જ્યારે વયસ્ક સ્ત્રી પુરુષની જન સંખ્યા 14,183 અને સ્ત્રીની જનસંખ્યા વધીને 13,117 થઈ હતી.