આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્વારા 2003થી દર વર્ષે 10 સપ્ટેમ્બરે “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. દેશ વિદેશમાં આત્મહત્યાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જાગૃતિનો સંદેશો યુવાઓ સુધી પહોંચે તે હેતુ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવસિટીનાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા યુનિ.નાં મધ્યસ્થ ખંડમાં સમાજશાસ્ત્ર વિષયે અભ્યાસ કરતાં છાત્રોની ઉપસ્થિતીમાં આત્મહત્યા નિવારણ દિવસ 2024 દિવસ નિમિત્તે માર્ગદર્શક જાગૃતિ કાર્યક્રમ યોજાઇ ગયો.
- Advertisement -
આ પ્રસંગે યુનિ.નાં છાત્રોને જાગૃતિ સંદેશો આપતા કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો જવાબદાર હોય છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકોના હજારો ‘ફ્રેન્ડ્સ’ હશે પણ વ્યક્તિ જ્યાં પોતાનું હૃદય ઠાલવી શકે તેવા સાચા મિત્ર હોતા નથી. જેના કારણે તે વધુને વધુ હતાશામાં આવીને આત્મહત્યા કરવાનું પગલું ભરી લે છે. સાંપ્રત સમયમાં દેખાદેખીનું પ્રમાણ પણ વધ્યું છે. અનેક લોકો ‘હું પાછળ રહી ગયો’ તેવા વિચાર સાથે હતાશામાં ગરકાવ થઇ જાય છે. ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે નિષ્ફળતા એ જીવનનો અંત નથી.આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી.