કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
કોઈ દ્રઢ મનનો માણસ જેમ કોઈ બીજાના વિચારોથી પ્રભાવિત થતો નથી એમ આ તહેવાર કોઈ દેખાડા, ભપકા, વિધિ વિધાન, કર્મકાંડ કે બીજા દૂષણોથી ગ્રસિત થયો નથી એ નાગ દેવતાનો કે આપણામાં રહેલા પરચો ગણવો.
- Advertisement -
મહાભારતમાં નાગ લોકો યાદવો અને પાંડવો સાથે સંઘર્ષમાં ઉતરતા દેખાય છે. મહાભારતના આ નાગોની વાત પરથી બોલીવુડે નાગ નાગિનની રોચક વાર્તાઓ બનાવી કાઢી. નાગ સુંદર, વિદ્વાન, વેશપલટામાં કાબેલ, પ્રતિશોધ લેવા માટે તત્પર અને શિવભક્ત હોય છે એની ઉપરથી બોલીવુડે અનેક ફિલ્મો રચી.
એમાં વળી તાંત્રિક (યોગી) એ નાગ અને નાગણને વશ કરી શકે છે એવું પણ બતાવવામાં આવતું. વાસ્તવમાં તાંત્રિકો કોઈ નાગ કે નાગણીને કદી વશ નથી કરતા. તાંત્રિકો એટલે કે હઠયોગ અને તંત્રના જાણકારો.. જેની પરંપરા ભારતમાં આગમ પરમ્પરા કહેવાય છે અને આ પરંપરાના પ્રવર્તક આદિનાથ શિવ છે..(આ આદિનાથ જૈન અને બૌદ્ધ એમ બેય પંથોમાં છે) આથી નાગિન ફિલ્મો અને સિરિયલોમાં તાંત્રિકોને અને નાગોને બેયને શિવ ભક્ત બતાવાય છે.
આ યોગીઓની વસ્તી, અંગ્રેજોએ કરાવેલી પ્રથમ વસ્તી ગણતરીમાં, ખાસ્સી હતી એવી નોંધ છે.
યોગીઓ હઠયોગની પરમ્પરાને અનુસરતા. હઠયોગ કહે છે કે આપણા શરીરની પ્રાણઊર્જા એક નાગની જેમ કુંડલી મારીને મૂલાધાર ચક્રમાં (પ્રોસ્ટેટ ગ્રન્થિ પાસે) પડી હોય છે. હઠયોગી પરંપરામાં આ કુંડલીને ખોલીને નાગને વાયા કરોડરજ્જુ, છેક માથા સુધી પહોંચાડવાથી ઈશ્વર સાથે યોગ થાય છે. નાગીન ફિલ્મો અને સિરિયલોમાં દેખાડાતા તાંત્રિકો કોઈ સુંદર નાગ ક્ધયાનું નહિ પણ કુંડલી મારીને પડેલી કુંડલિની શક્તિનું વશીકરણ કરતા હતા.. પણ અધકચરા અભ્યાસ વાળા બોલીવુડને આ બધી થોડી ખબર પડે?? એટલે ફિલ્મમાં આવ્યું કે શ્રીદેવી કે રીના રોય (સાયરા અલી) જેવી સુંદર નાગ ક્ધયાને વશ કરવા તાંત્રિક બીન બજાવે છે ને નાગીન ડાન્સ કરવા લાગે છે.. (એ નાગિન ડાન્સની ટ્યુન પણ કલ્યાણજી આણંદજી ની જોડીએ કોઈ અંગ્રેજી ગીતની ધૂનથી પ્રેરણા મેળવીને બનાવી હતી એ આડવાત. )
જ્યાંથી આ ફિલ્મી વાર્તાઓ જન્મી તે મહાગ્રંથ મહાભારતમાં ખાંડવવન દહન નામનો પ્રસંગ આવે છે. ખાંડવવન નામનાં સ્થળે ઇન્દ્રપ્રસ્થ બનાવવું હોવાથી શ્રીકૃષ્ણ અને પાંડવો ખાંડવવન દહન કરે છે. ખાંડવવન દહનને કારણે અંદર રહેતા નાગ લોકો પાંડવો સાથે યુદ્ધમાં ઉતરે છે અને છેવટે નાગરાજ વાસુકી અને પાંડવો સમાધાન કરે છે, નાગ લોકો આ ખાંડવ દહન એપિસોડ પછી પાતાળલોક જતા રહે છે. પણ ફિલ્મોમાં બતાવે છે એમ પ્રતિશોધની ભાવના સાથે જાય છે.
ભાગવતમાં શ્રીકૃષ્ણ આ જ રીતે કાળિયા/કાલીય નામના નાગને નાથે છે અને એને પ્રદેશ ખાલી કરવા વિવશ કરે છે.પછી તો અર્જુનના પૌત્રનો પણ પુત્ર એવો જન્મેજય સર્પ સત્ર યજ્ઞ કરે છે અને એમાં પણ અનેક નાગોનો વધ કરે છે. આ લડાઈને અંતે ફાઈનલી નાગ લોકો પાતાળ ગમન કરે છે (એટલે કે અંડર ગ્રાઉન્ડ થઈ જાય છે??)
અનેક ઇતિહાસ કારોને મતે મહાભારત નાગવંશી મૂળ નિવાસીઓ અને પશ્ચિમ ઉતર થી આવેલી અન્ય જાતિઓ (કુરુઓ)વચ્ચે થયેલ યુદ્ધનો ઇતિહાસ છે. મહાભારત પહેલા રામાયણમાં પણ નાગ પ્રજા છે. ઇન્દ્રજીત ના સસરા એક નાગ છે અને એને અનેક વિદ્યાઓ દાન કરે છે. ઇન્દ્રજીત આ વિદ્યાનો ઉપયોગ કરીને લક્ષ્મણને નાગપાશથી મૂર્છિત કરી દે છે.
- Advertisement -
જૈન અને બૌદ્ધ પંથ પણ નાગ પ્રજાનો મોટો અંશ અને ઇતિહાસ ધરાવે છે. કેમકે બેય આગમ પંથ છે જેઓ વેદો પુરાણો નહિ પણ આગમ ગ્રંથોને વધુ માને છે.
ભારતમાં કોઈ વીરગતિ પામે પછી તે નાગયોનીમા જન્મ પામે એવી માન્યતા બહુ દ્રઢ છે. આ માન્યતા થી ગોગા બાપા (ગુગાપીર, જહેરપિર), ભાથીજી, જસાબાપા, ખેતલિયા બાપા જેવા અનેક મહાપુરુષો નાગ સ્વરૂપે પૂજાય છે. સૌરાષ્ટ્રની બધી જાતિઓમાં સુરાપુરા બાપા (વીરગતિ પામેલા મહાપુરુષ) નાગ સ્વરૂપે પૂજવાની પરંપરા છે.
જૂની બાઇબલ (જેને યહૂદી અને ખ્રિસ્તી બેય માને છે એ)માં આદમ અને ઇવ બેય ઈડન ગાર્ડન નામનાં ઉદ્યાનમાં ફરતા હોય છે ત્યારે એક સર્પ એની પાસે આવીને એને ઝેરી ફીગ (અંજીર જેવું ફળ) ખાવા લલચાવે છે. ઇવ આ ફળ ખાય છે અને છેવટે પૃથ્વી ઉપર ઓરિજીનલ સીન (મૂળભૂત પાપ) કહેવાતા પાપથી મનુષ્યનો વસવાટ શરૂ થાય છે. આધુનિક મેડિકલ સાયન્સ નું પ્રતિક પણ કડુસિયસ નામનાં પ્રાચીન ક્રોસ કે દંડ ઉપર બે નાગ વીંટળાઈ ને ચડતા હોય તે છે. ઇજિપ્તમાં શાસકોના મુકુટ ઉપર ફેણ ચડાવેલા નાગનો સિમ્બોલ હોય છે.
નાગ પ્રજાની પરંપરા ભારતમાં અવતાર, કર્મકાંડ અને વેદાંતની પરમ્પરા સાથે સહજ રીતે જીવતી આવી છે.
આમ દરેક ભારતીયના રક્તમાં નાગપ્રજાના અંશ હોવાથી નાગ સદૈવ પૂજનીય રહયા છે. મહર્ષિ પતંજલિ નાગ હતા જેને કારણે એમની મૂર્તિઓમાં અચૂક નાગના દર્શન થાય છે. પતંજલિ કાશ્મીરના રહેવાસી ગણાય છે. કાશ્મીર ઉપર નાગવંશી રાજાઓએ ખુબ લાંબો સમય શાસન કરેલું છે. આથી કાશ્મીરી પંડિતો અને ક્ષત્રિયો બંને નાગવંશી ગણાય છે. કાશ્મીરમાં અનંતનાગ વેરીનાગ કુક્કુટનાગ (કર્કોટક નાગ) જેવા અનેક નાગોના નામ ઉપરથી સ્થળો અને સરોવરોના નામ છે. આ બધા નાગો મહાભારતથી જાણીતા છે.
અહીરવંશી (અહિ એટલે નાગ) કે નાગવંશી તરીકે ઓળખાતા લોકોમાં જાટ, અમુક ગુર્જર ગોત્રો, આહીર અને અમુક રાજપૂત ગોત્રોનો સમાવેશ થાય છે. નાગર બ્રાહ્મણો પોતાને અહિચ્છત્ર (નાગના છત્ર વાળા) બ્રાહ્મણ ગણાવતા.
આખા જગતમાં હવે નાગ પૂજા વિલુપ્ત થઈ ગઈ છે. પણ નાગના શત્રુ અને વિષ્ણુના વાહન ગરુડ નું પ્રતિક અનેક ધ્વજમાં જોવા મળે છે.
ભારતમાં નાગ પાંચમી સ્વરૂપે નાગ વંશ નો ઇતિહાસ જીવે છે. અનેક ગામ અને શહેરોના નામ હજી નાગ અને નાગોના નામ ઉપરથી છે. કદાચ નાગો કાયમ માટે પાતાળ વાસી થઈ ગયા છે!!
પણ તેઓ હજી છે. આપણી વિદ્વતા, સુંદરતા, સહજતા, શિવ ભક્તિ, યોગ પરમ્પરા, આયુર્વેદ, સ્ટારનો સિમ્બોલ, લડાયક પણું — બધું નાગ પ્રજાનો આપણને મળેલો વારસો છે.
આ તહેવાર ભારતના મૂળ સાથે જોડાયેલો છે. કાશ્મીરથી લઈને તામિલનાડુ સુધી અને સૌરાષ્ટ્રથી છેક નેપાળ કે આસામ સુધી નાગ પૂજા થાય છે જે હકીકત દર્શાવે છે કે નાગ પ્રજાના ડી એન એ થકી આપણે સહુ જોડાયેલા છીએ.