જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત મહાનુભાવોએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા કાર્તિકી પૂર્ણિમાના મેળાના પહેલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેવાયત ખવડ અને બિરજુ બારોટે લોકસાહિત્ય તેમજ લોકગીતની પ્રસ્તુતિથી રંગ જમાવ્યો હતો.
- Advertisement -
બિરજુ બારોટે ’એરી સખી મંગલ ગાઓ રી…….’, ’નગર મેં જોગી આયા…’, ’આરતી સોમનાથ મહાદેવની થાય….’ જેવી સંગીતમય પ્રસ્તુતીથી લોકોના દિલ જીત્યા હતા તો દેવાયત ખવડે પોતાના અનોખા અંદાજમાં લોકસાહિત્યની મર્મસ્પર્શી રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છેકે, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં આ મેળાના પાંચ દિવસ દરમિયાન રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું છે. ‘સોમનાથ મહોત્સવ-2024’ અંતર્ગત તા.12ના રોજ અપેક્ષા પંડ્યા-ચિરાગ સોલંકી, તા.13ના રોજ કિર્તીદાન ગઢવી, તા.14ના રોજ રાજભા ગઢવી અને તા.15ના રોજ માયાભાઈ આહિર અને જાહલ આહિર લોકસાહિત્ય અને લોકગીતની પ્રસ્તુતિ કરશે.